મણિપુરમાં એસયુવીમાં દારૂ લાવીને કંટીગ કરતા સમયે પોલીસનો દરોડો
રાજસ્થાનથી લવાયેલો ૭૦૦ બોટલ દારૂ મળી આવ્યો
દસ્ક્રોઇમાં રહેતા બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો પોલીસે બે સ્ક્રોપીયો અને દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કયા
અમદાવાદ,બુધવાર
બોપલ-ધુમા પાસે આવેલા મણિપુરમાં પોલીસે દરોડો પાડીને રાજસ્થાનથી દારૂનો લાવીને કંટીગ કરી રહેલા એક વ્યક્તિને ઝડપીને બે એમયુવી કાર અને ૭૦૦ બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બોપલ-ધુમા રોડ પર મણિપુર ગામની સીમમાં જીઇબી પાસે ખુલ્લા મેદાનમાં એક કારમાંથી મોટાપ્રમાણમાં દારૂનું કંટીગ થતું હોવાની બાતમી બોપલના પીઆઇ બી ટી ગોહિલને મળી હતી. જેના આધારે શનિવારે રાત્રે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી બે સ્ક્રોપિયો કાર મળી આવી હતી અને પોલીસને જોઇને ત્યાં રહેલા શખ્સો ફરાર થઇ ગયા હતા. પરંતુ, તપાસ કરતા એક વ્યક્તિ નજીકની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.
કારમાં તપાસ કરતા પોલીસે રૂપિયા ત્રણ લાખની કિંમતના ૭૦૦ જેટલી બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે ઝડપાયેલા દિવ્યરાજસિંહ ચૌહાણ (રહે. દરબાર ગઢ, ઓડ ગામ, દસ્ક્રોઇ)ની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેના ગામમાં રહેતા જય પંડયાએ તેને સ્ક્રોપિયો કાર આપીને બોપલથી દારૂ લાવવા માટે કહ્યું હતું. જે દારૂ રાજસ્થાનથી લવાયો હતો. પરંતુ, દારૂ લાવનાર વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. આ અંગે બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, પીસીબીના સ્ટાફે ચાંદખેડા વિસત ગાંધીનગર હાઇવે પર સવીતાનગરમાં દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને જ્યોતિ રાઠોડને ઝડપી લીધી હતી.