રાજસ્થાનના બુટલેગરો અને કેરીઅરો બેફામ બન્યા
કારમાંથી રૂા.૭.૭૧ લાખનો દારૂ મળી આવ્યો, રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ
જેતપુર તાલુકાના એએસઆઈ વિપુલભાઈ મારૂ અને સ્ટાફે મળેલી બાતમીના આધારે ચાંપરાજપુર ફાટક પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ દારૂ ભરેલી કીયા કાર પસાર થતા ચાલકને ઉભા રહેવાનો ઈશારો કર્યો હતો. પરંતુ તેણે કાર ઉભી રાખવાના બદલે પોલીસને કાર નીચે કચડી નાખવા માટે તેમના તરફ કાર ભગાડી મુકી હતી. જોકે સતર્ક પોલીસ બાજુ પર ખસી જતાં બચાવ થયો હતો.
ત્યારપછી બેકાબુ કાર રોડની સાઈડમાં પડેલા બાઈક સાથે અથડાઈને ખાડામાં ફસાઈ ગઈ હતી. તત્કાળ પોલીસે કારને કોર્ડન કરી તલાશી લેતાં અંદરથી જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની રર૪૪ બોટલ મળી આવી હતી. જેની કિંમત પોલીસે રૂા.૭.૭૧ લાખ ગણી હતી. કાર, મોબાઈલ વગેરે મળી કુલ રૂા.૧૬.ર૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કારમાંથી રાજસ્થાનના દિનેશ ભેરારામજી બિશ્નોઈ (ઉ.વ.રપ) અને વિરારામ હનુમનારામ ચૌધરી (ઉ.વ.ર૦)ની ધરપકડ કરી હતી. કારમાંથી અલગ-અલગ આરટીઓની આઠ નંબર પ્લેટ મળી આવી હતી. આરોપીઓ પોલીસથી બચવા માટે નંબર પ્લેટો બદલાવી દારૂની હેરાફેરી કરતાં હોવાનું બહાર આવ્યું છે. દારૂનો જથ્થો કોને સપ્લાય કરવા જતાં હતા તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.


