Gujarat

સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ

By GS TEAM
1 Apr 20262 mins read
સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ  : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ

વડોદરા : નંદસેરી વિસ્તારમાં દરોડો પાડી રૃા.૪૩.૪૬ લાખના  વિદેશી દારૃ સહિત કુલ રૃા.૧૪૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવાના બનાવમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવ્યા બાદ બે દિવસ બાદ પણ દારૃના નેટવર્કના મુખ્ય સુત્રધાર મનાતા આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી શકી હતી. ઝડપાયેલા છ પૈકીના પાંચ આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ તમામ આરોપીના તા.૬ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પકડાયેલા આરોપીઓમા મનોજ ઉર્ફે પાપડ નરસિંગાણી,ધર્મેન્દ્ર ઉર્ફે લાલો ચૌહાણ, જીતેન્દ્ર  ચૌહાણ, વિક્રમસિંહ દિવાનસિંહ અને કિર્તીકુમાર  મીણાનો સમાવેશ થતો હતો. આ તમામ  શખ્સો ખુલ્લી જગ્યામાં ટ્રકમાંથી કારમાં દારૃનું કટિંગ કરી રહ્યા હતા ત્યારે એસએમસીની ટીમે તેમને રંગેહાથ દબોચી લીધા હતા. સ્થળ પરથી ૧૬,૬૬૯ બોટલ દારૃ, ૯ વાહનો અને રોકડ રકમ પોલીસે જપ્તા કરી હતી.

તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, મનોજ ઉર્ફે પાપડ અગાઉ પણ દારૃના ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી પોલીસની પદ્ધતીથી વાકેફ છે અને તપાસમાં સહકાર આપતો નથી. આ દારૃનો જથ્થો સેલવાસના ગઢવી નામના શખ્સે મોકલ્યો હતો, જેને મંગાવવામાં વડોદરાના લાલુ સિંધી અને સુનિલ ઉર્ફે અદો કેવલરામાણીની મુખ્ય ભૂમિકા હોવાનું ખૂલ્યું છે. આ વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવા માટે પકડાયેલા આરોપીઓની હાજરી અનિવાર્ય છે.

દારૃની સિન્ડિકેટ છેલ્લા ૧૫ વર્ષથી સક્રિય છે ત્યારે આ ગેરકાયદે પ્રવૃત્તિમાંથી મેળવેલી નાણાકીય આવકનો ઉપયોગ ક્યાં કર્યો છે અને કઈ નામી-બેનામી મિલકતો વસાવી છે, તે દિશામાં તપાસકરવાની છે. દારૃના મોટા જથ્થા માટેના નાણાંની લેવડ-દેવડ કયા માધ્યમથી થઈ તે પણ તપાસનો મુખ્ય વિષય રહેશે. આ કેસમાં હજુ પણ ૧૦ જેટલા આરોપીઓ વોન્ટેડ છે, જેમાં મુખ્ય બુટલેગરો અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા શખ્સોનો સમાવેશ થાય છે. એસએમસીના સુત્રોએ જણાવ્યું હતું કે, આજે મુખ્ય સુત્રધાર મનાતા લાલુ તેમજ સુનીલ ઉર્ફે અદા સહિતના આરોપીઓના ઘરે સર્ચ પણ કરવામાં આવ્યું હતું.

 

બીજા ક્યાં શહેરમાં નેટવર્ક ગોઠવાયેલું છે તેની તપાસ થશે

અદાલતે મંજૂર કરેલા ૬ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત કરશે. પ્રથમ, સેલવાસથી દારૃ મોકલનાર ગઢવી અને તેને મંગાવનાર લાલુ સિંધી  તથા અદો ક્યાં છુપાયા છે ? બીજું, આરોપીઓના મોબાઈલ ફોનના કોલ ડિટેઈલ રેકોર્ડ (સીડીઆર)ના આધારે આ નેટવર્ક કયા કયા શહેરોમાં ફેલાયેલું છે ? અને ત્રીજું, દારૃના કટિંગ માટે જે સ્થળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના માલિક અને ટ્રક ડ્રાઈવરની આ ગુનામાં ચોક્કસ ભૂમિકા શું હતી ? તેની તપાસ કરી રહી છે.