બુટલેગર રાકેશ ઠાકોર ભાજપનો સક્રિય કાર્યકર : પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોંલકી
- પાટડીમાં બુટલેગરને ત્યાં એલસીબીનો દરોડો : સવા 6 લાખનો દારૂ જપ્ત
- બુટલેગરે ભાજપના નેતાઓ સાથે ફોટો પડાવવાના સાથે ડર વિના પોલીસને ચેલેન્જ ફેંકતી રીલ વાયરલ કરી
સુરેન્દ્રનગર એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે પાટડીમાં તળાવની પાળ પાસે વંદે માતરમ સોસાયટીમાં રહેતો રાકેશ ઉર્ફે રાકલો દશરથભાઈ ઠાકોરે પોતાના ઘરમાં અંદર ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો સંતાડયો છે. તેવી બાતમીના આધારે એલીસીબી પોલીસે બાતમી વાળી જગ્યા પર દરોડો કરતા સ્થળ પરથી આરોપી મળી આવ્યો હતો. પરંતુ મકાનના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની ૨૧૬૦ નંગ બોટલ (કિં.રૂા.૨.૫૪ લાખ), બીયરના૧૬૮૦ નંગ ટીન (કિં.રૂા.૩.૬૯ લાખ) મળી કુલ રૂા.૬.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્થળ પરથી આરોપી હાજર મળી ન આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબીની રેડ બાદ દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીનો ગંભીર આક્ષેપ કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે. આરોપી દસાડા પોલીસ સ્ટેશનનો લિસ્ટેડ આરોપી છે અને ભાજપનો કાર્યકર છે. તેમજ ભાજપના સાંસદો, ધારાસભ્યો સાથે હંમેશા ફરતો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યક્રમોમાં પણ પક્ષના પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે ફોટો પડાવી વીડિયો બનાવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરે છે. એટલું જ નહીં આરોપી બુટલેગર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દારુના જથ્થા સાથે વીડિયો બનાવે છે અને ફિલ્મી ડાયલોગ મારતો જોવા મળે કે ''હથકડી ઓર જેલ કી દિવારો કા અબ ડર નહી રહા મેરે લાલ કે છોટીસી ઉંમર મેં ઇતને કાંડ કર દીએ હે કે અબ મરને કા ભી ડર નહીં રહા હે.'' નૌશાદ સોલંકી વિડીયોમાં એવુ પણ કહે છે કે આજે ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો પાટડી શહેરમાં સામે આવી ગયો છે. તાજેતરમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાટડી આવ્યા ત્યારે પણ તેમની સાથે સાથે ફરતો હતો. ધારાસભ્યની સાથે હંમેશા હોય, સંસદ સભ્યની સાથે હોય અને તેમના અનેક ફોટાઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યાં છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કહ્યું હતું કે અમે કોઇ ગુનેગારને છોડવાના નથી ત્યારે આ ગુનેગારો તમારી સાથે કેવી રીતે ફરે છે? તે અમારી દસાડાની, સુરેન્દ્રનગરની અને ગુજરાતની જનતા પુછી રહી છે.