આણંદના હાડગુડનો બુટલેગર 5 જિલ્લામાંથી તડીપાર

- દારૂની હેરાફેરી, વેચાણમાં વારંવાર પકડાયેલા
- ખેડા, આણંદ, વડોદરા, અમદાવાદ ગ્રામ્ય અને મહીસાગરમાં વર્ષ માટે પ્રવેશબંધી
આણંદ : આણંદ પાસેના હાડગુડ ગામનો અને છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂની હેરફેરી અને વેચાણની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સ્ટેટ બુટલેગરને પાંચ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો છે.
હાડગૂડ ગામે રહેતો બહાદુરસિંહ અમરસિંહ રાઠોડ છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂના વેચાણ અને હેરફેરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. અવારનવાર તેની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા તેને તડીપાર કરવાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ વડા મારફતે એસડીએમને મોકલી આપવામાં આવી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ એસડીએમએ બહાદુરસિંહ રાઠોડને આણંદ, ખેડા, વડોદરા, અમદાવાદ ગ્રામ્ય અને મહીસાગર જિલ્લામાંથી આગામી એક વર્ષ માટે તડીપાર કરવાનો આદેશ કર્યો હતો.