વડોદરા,રાજ્યમાં દારૃનો મોટાપાયે ધંધો કરતા આરોપી અશોક પાલનપુરીને માંજલપુર પોલીસે ઝડપી પાડયો છે. દારૃની હેરાફેરી અંગે તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
છ વર્ષ પહેલા ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખી મંગાવવામાં આવેલો વિદેશી દારૃનો જથ્થો માંજલપુર પોલીસે કબજે કર્યો હતો. પોલીસે તલસટ ગામની સીમમાં આવેલી વિશ્વામિત્રી નદીના તટ પાસેથી દારૃ અને બિયરની ૩,૬૧૮ બોટલ કિંમત રૃપિયા ૭.૨૦ લાખની કબજે કરી હતી. આ ગુનામાં પોલીસે અત્યારસુધી કુલ છ આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે આરોપી અશોક ઉર્ફે પાલનપુરી રમણભાઇ પરમાર (રહે. પાલનપુર ગામ, તા.હાલોલ. જિ. પંચમહાલ) વોન્ટેડ હતો. દરમિયાન માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે, આરોપી હાલ વડસર ગામે આવ્યો છે. જેથી, પી.આઇ. એલ.ડી. ગમારાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા આરોપી અશોક પાલનપુરી ઝડપાઇ ગયો હતો. તેની સામે ૧૦૦ થી વધુ ગુનાઓ અગાઉ નોંધાયા છે.


