મોડીરાતે હાઇવે પરથી દારૃ ભરેલી કાર લઇને આવતો બૂટલેગર ઝડપાયો
મકરપુરામાં દારૃનો ધંધો કરતા બૂટલેગરની સંડોવણી અંગે તપાસ
વડોદરા,કારમાં દારૃ ભરીને વડોદરાના બૂટલેગરોને સપ્લાય કરવા આવતા આરોપીને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડયો હતો. જ્યારે પાંચ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૃની ૧,૦૬૬ બોટલ કિંમત રૃપિયા ૨.૭૪ લાખ, કાર, મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૮.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ડીસીપી ઝોન - ૩ ના એલ.સી.બી. સ્ટાફે પુરાઇ ચોકડીથી તરસાલી બ્રિજ તરફના રોડ પર વોચ ગોઠવીને રાતે સવા એક વાગ્યે દારૃ ભરેલી કાર આવતા કોર્ડન કરીને નરેશ ઉર્ફે ઘેટીને ઝડપી લીધો હતો. જ્યારે તેની બાજુની સીટ પર બેસેલો આરોપી ભાગી છૂટયો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો મૂળ દાહોદના અને હાલમાં આણંદમાં રહેતા અરવિંદભાઇ રમસુભાઇ બારિયાએ ભરી આપ્યો હતો. આ દારૃનો જથ્થો (૧) અજય હરેશભાઇ જગતાપ (રહે. રેવંતા ફ્લેટ, મકરપુરા) (૨) અતુલ વાની (૩) સન્ની ગુલાબસિંહ ઠાકોર (બંને રહે. મકરપુરા ગામ) (૪) પકો (રહે. વડસર) ને આપવાનો હતો. અગાઉ પણ આ આરોપીઓને દારૃ સપ્લાય કર્યો હતો. જ્યારે કારમાંથી રોહિત રવજીભાઇ ભાભોર (રહે. દાહોદ) ભાગી ગયો હતો. મકરપુરામાં દારૃનો ધંધો કરતા બૂટલેગર અર્જુન સરદારની પણ સંડોવણી હોવાની શંકા સેવાઇ રહી છે. તે બિન્ધાસ્તપણે કહી રહ્યો છે કે, મારો ધંધો મકરપુરામાં ચાલે છે. એલ.સી.બી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.