Gujarat

રતનપુરનો નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલાની આખરે ધરપકડ

By GS TEAM
14 Sep 20251 min read
રતનપુરનો નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલાની આખરે ધરપકડ

વડોદરા, તા.14 છેલ્લા પાંચ માસથી ફરાર વડોદરા નજીક રતનપુરનો નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલો ઘેર આવતાં જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

રતનપુરમાં રહેતા રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ સામે ક્વાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પાંચ માસ પહેલાના આ ગુનામાં તે ફરાર  હતો અને તેને ઝડપી પાડવા માટે છોટાઉદેપુર ઉપરાંત વડોદરા જિલ્લા પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વરણામા પોલીસ દ્વારા તેના ઘેર વારંવાર તપાસ કરવા છતા તેનો પત્તો લાગતો ન હતો.

દરમિયાન રાકેશ ઉર્ફે લાલો તેના પરિવારના સભ્યોને મળવા માટે ઘેર આવવાનો છે તેવી માહિતીના આધારે રતનપુર બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને તે આવતા જ ઝડપી પાડી ક્વાંટ પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે રતનપુરના નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલા સામે દોઢ ડઝન જેટલા દારૃના ગુના નોંધાયા છે. તેની સામે પોલીસ પર હુમલો  કરવાની ફરિયાદ થઇ હતી.