Get The App

મતદાર યાદી સુધારણા માટે નવી પહેલ: BLO સાથે કોલ બુક કરવા જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
મતદાર યાદી સુધારણા માટે નવી પહેલ: BLO સાથે કોલ બુક કરવા જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ 1 - image
AI IMAGE

Book A Call With BLO: સમગ્ર ગુજરાતમાં હાલ મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ (SIR) ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં 27 ઓક્ટોબર 2025થી શરુ થયેલી આ પ્રક્રિયા તબક્કાવાર આગળ વધી રહી છે. આ ઝુંબેશમાં મતદારોને ઘરે બેઠા સરળતાથી માર્ગદર્શન મળી રહે તે માટે ચૂંટણીપંચ દ્વારા ‘બુક અ કોલ વિથ BLO’ નામની ટૅક્નોલૉજી આધારિત પહેલ શરુ કરવામાં આવી છે, જેને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીની શુદ્ધતા અને સમાવેશિતા સુનિશ્ચિત કરવાનો છે. 10 નવેમ્બર 2025 સુધીના આંકડા મુજબ રાજ્યના ખૂણે-ખૂણેથી કુલ 10,204 નાગરિકોએ 'ecinet' વેબસાઇટ પર જઈને આ સુવિધાનો લાભ મેળવ્યો છે. જેમાંથી 6,239 નાગરિકોનો બુથ લેવલ ઑફિસર (BLO) દ્વારા માત્ર 48 કલાકના ટૂંકા સમયગાળામાં જ સંપર્ક કરીને તેમની મૂંઝવણોનું નિરાકરણ લાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. અન્ય નાગરિકોનો સંપર્ક સાધવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

રાજ્યનો પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર યાદીમાં સામેલ ન રહે, તેવા ધ્યેય સાથે BLO દ્વારા ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મ(એન્યુમરેશન ફોર્મ)નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ‘બુક અ કોલ વિથ BLO’ સુવિધા આ સમગ્ર પ્રક્રિયામાં મતદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે.

જાણો કેવી રીતે થશે બુક અ કોલ વિથ BLO

મતદારો ECINET વેબસાઇટ પર જઈને સરળતાથી BLO સાથે કોલ બુક કરી શકે છે.

સ્ટેપ 1: સૌથી પહેલા ecinet.eci.gov.in વેબસાઇટ પર જાઓ.

સ્ટેપ 2: હોમ પેજ પર દેખાતા ‘બુક અ કોલ વિથ BLO’ વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 3: તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા EPIC નંબર (ચૂંટણીકાર્ડ નંબર) નાખી, OTP મેળવો.

સ્ટેપ 4: ત્યારબાદ પોર્ટલ પર નોંધાયેલી તમારી વિગતો સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ 5: અંતે 'બુક અ કોલ વિથ BLO' બટન પર ક્લિક કરી કન્ફોર્મ કરો.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ BLO પોતે મતદારનો સંપર્ક સાધશે. આ ઉપરાંત, મતદારોને આપવામાં આવતા એન્યુમરેશન ફોર્મ પર પણ બુથ લેવલ ઑફિસરનો સંપર્ક નંબર આપવામાં આવે છે. જેના પર સીધો સંપર્ક કરીને પણ માર્ગદર્શન મેળવી શકાય છે.