મધ્ય ગુજરાતમાં ૨.૨૫ લાખ કર્મીઓને રૃા.૪૦૦ કરોડ બોનસની ચૂકવણી
વડોદરામાં બરોડા ડેરીએ રૃા.૧૦૫ કરોડ અને જીએસએફસીએ રૃા.૩૦ કરોડથી વધુ રકમનું બોનસ આપ્યું

વડોદરા, તા.20 વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં બોનસ પેટે વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ વાણિજ્ય એકમોમાં કરોડો રૃપિયાની વહેંચણી થતાં બજારોમાં તેની રોનક પણ દેખાવા લાગી છે. માત્ર વડોદરામાં જ રૃા.૧૩૦ કરોડથી વધુ રકમનું બોનસ ચૂકવાયું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતમાં આવેલા નવ જિલ્લાઓ વડોદરા ઉપરાંત ભરૃચ, નડિયાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં આવેલા એકમો દ્વારા તા.૧ નવેમ્બર સુધીમાં બોનસની ચૂકવણી કરી દેવાની સૂચના આપવામાં આવી હતી જો કે એકમો દ્વારા દિવાળી પહેલાં જ બોનસની ચૂકવણી કરી દેવાતા તેનો માહોલ બજારોમાં ખરીદી દ્વારા જણાઇ રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતના નવ જિલ્લાઓમાં તા.ધનતેરસ સુધી કુલ ૨.૨૫ લાખ કર્મચારીઓને રૃા.૪૦૦ કરોડનું બોનસ ચૂકવાયું હતું. જેમાં વડોદરા જિલ્લામાં જ રૃા.૧૩૦ કરોડના બોનસનો સમાવેશ થાય છે. બરોડા ડેરી દ્વારા સૌથી વધુ રૃા.૧૦૫ કરોડના બોનસની ચૂકવણી કરી હોવાનું જાહેર કરાયું હતું આ ઉપરાંત જીએસએફસીએ પણ રૃા.૩૦ કરોડથી વધુ બોનસની ચૂકવણી કર્મચારીઓને કરી છે.