Vadodara News: વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને આજે એક નનામા ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ધમકીના પગલે સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી છે.
બપોરે 1 વાગ્યે બ્લાસ્ટની હતી ધમકી
મળતી વિગતો અનુસાર, આજે સવારે કલેક્ટર કચેરીના સત્તાવાર ઈ-મેલ આઈડી પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. આ મેલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, કચેરીના પરિસરમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને આજે બપોરે 1:00 વાગ્યે તેમાં વિસ્ફોટ થશે. આ મેલ વાંચતાની સાથે જ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુદ્ધના ધોરણે પોલીસ તંત્ર એક્શનમાં
ધમકી મળતાની સાથે જ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કોઈપણ જાનહાનિ ન થાય તે માટે કચેરીના તમામ વિભાગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા તમામ કર્મચારીઓને અડધા દિવસની રજા આપી દેવામાં આવી હતી અને પરિસરની બહાર મોકલી દેવાયા હતા.
બોમ્બ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના એક-એક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.
હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી
પોલીસના જણાવ્યા મુજબ, બપોરે 1 વાગ્યાના સમયને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાનીપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી તપાસ દરમિયાન પરિસરમાંથી કોઈ વાંધાજનક કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. તેમ છતાં, સુરક્ષાના કારણોસર હજુ પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
ઈ-મેલ મોકલનારની શોધખોળ શરૂ
આ ગંભીર મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચ પણ એક્ટિવ થઈ છે. ઈ-મેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તેની તપાસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી કરવામાં આવી રહી છે. કોઈએ તોફાન કરવા માટે કે જાણીજોઈને ભય ફેલાવવા માટે આ કૃત્ય કર્યું છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.


