ભરૂચના BAPS મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો, કાવતરાનું કારણ જાણી પોલીસ ચોંકી ગઈ
Swaminarayan Temple Bomb Threat : થોડા દિવસો પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યા બાદ હવે ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ભરુચ પોલીસ કંટ્રોલરૂમને કોલ કરીને ધમકી આપવામાં આવી હતી. જેને લઈને પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી હતી અને તપાસનો ધમધમાટ શરુ થયો હતો. પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી મંદિરમાં તપાસ કરી હતી અને પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
બે વાર મળ્યા ધમકીભર્યા કોલ
પોલીસના જણાવ્યા અનુસાર ભરુચના સ્વામિનારાયણ મંદિરને બોમ્બ વડે ઉડાવી દેવાના ધમકીભર્યા ફોન બે વાર આવ્યા હતા. જેને લઈને પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરુ થયો હતો. ગણતરીના સમયમાં જ પોલીસે ધમકી આપનાર તોસિફ આદમ પટેલ નામના યુવકની અટકાયત કરી કાર્યવાહી શરુ કરી લીધી છે.
બદલો લેવા રચ્યું કાવતરું
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી યુવકે પોતાના પરિવારિક ઝઘડામાં તેના ભાઈ અને બનેવીને ફસાવવા આ સમગ્ર કાવતરું ઘડ્યું હતું. તેણે ધમકીભર્યો ફોન દહેજ બાયપાસ રોડ પરથી કર્યો હતો. તોસિફે સ્વીકાર્યું હતું કે મંદિરમાં કોઈ બોમ્બ નથી તેને માત્ર બીજાને ફસાવવા માટે આ કોલ કર્યા હતો.