Get The App

વડોદરા શહેરમાં શાળા બાદ હવે નામાંકિત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ કરતાં કંઈ ન મળ્યું

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા શહેરમાં શાળા બાદ હવે નામાંકિત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ કરતાં કંઈ ન મળ્યું 1 - image


Vadodara News: વડોદરા શહેરમાં ગત દિવસમાં અનેક શાળાઓ બાદ એક હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં હડકંપ મચ્યો છે. આજે (5 જુલાઈ) વડોદરામાં લોર્ડ્સ રિવાઈવલ હોટલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. જે અંગે હોટલ મેનેજર દ્વારા સયાજીગંજ પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ સહિત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ દ્વારા હોટલમાં રહેલા તમામ ગેસ્ટને તાત્કાલિક સુરક્ષિત બહાર લવાયા હતા. હોટલના તમામ 48 રૂમની તપાસ કરાઈ હતી. જોકે તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. જણાવી દઈએ કે, ઇ-મેલ nayanthara_diana_kurien@hotmail.com પરથી ધમકી આપવામાં આવી છે.

ગઈકાલે(4 જુલાઈ) વડોદરામાં બે અઠવાડિયામાં દિવસમાં ચાર જેટલી શાળાઓને પણ બોમ્બની ધમકી મળતાં દોડધામ મચી હતી. શહેરની સમા વિસ્તારની નવરચના, ગુજરાત રિફાઇનરી શાળા, મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ શાળા અને દિવાળીપુરા વિસ્તારની ડી.આર.અમીન શાળાને બોમ્બની ધમકી ઈ-મેઈલમાં મળી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ શાળાએ દોડી ગયા હતા. ગઈકાલે સવારે હરણીમાં આરડીએક્સ મૂક્યો છે અને ગમે ત્યારે બ્લાસ્ટ થશે તેવી ધમકી મળી હતી. જ્યારબાદ તમામ બાળકોને રજા આપી દેવાઈ હતી. અને તપાસ કરતાં કશું જ હાથ લાગ્યું ન હતું. શાળાને બોમ્બની ધમકી મળતાં શાળા તેમજ વાલીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરામાં એક પછી એક શાળા અને હોટલને બોમ્બની ધમકી મળી રહી છે પરંતુ પોલીસ હજી ધમકીભર્યા ઈમેલ કરનાર સુધી પહોંચી શકી નથી. 

Tags :