અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વૉડ ઘટના સ્થળે
Bomb Blast Threat : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ભારતીય સેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો છે. તો બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પાકિસ્તાનના નામથી GCAને ઇમેલ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ટીમ, બોમ્બ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેકીંગ હાથ ધરાયું હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.
સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે, ઇમેલમાં માત્ર એક લાઇન લખવામાં આવી છે. જેમાં 'We Will Blast Your Stadium' એટલું જ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં આઇપીએલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવવાની છે. ત્યારે આ ઇમેલની ગંભીરતાથી લઇને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિને જોતાં આ ધમકીભર્યા ઇમેલને હળવાશ લઇ શકાય નહી.