Get The App

વડોદરામાં બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા ભીડવાળી જગ્યાએ ચેકિંગ શરૃ કરાયું

અગાઉ અમદાવાદ બ્લાસ્ટમાં વડોદરાથી પાંચ આરોપીઓ પકડાયા હતા : હાલ ૩૦ થી ૩૫ લોકો પોલીસની રડારમાં

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા ભીડવાળી જગ્યાએ ચેકિંગ શરૃ કરાયું 1 - image

વડોદરા,દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ પછી  સમગ્ર દેશમાં તંત્ર એલર્ટ મોડ પર છે. વડોદરામાં પણ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, શોપિંગ મોલ, થિયેટર, બગીચા વિગેરે સ્થળે પોલીસ દ્વારા ચેકિંગ શરૃ કરી દેવામાં આવ્યું છે. અગાઉ ગુનાઇત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને કોમી માનસિકતા ધરાવતા ૩૦ થી ૩૫ માથાભારે તત્ત્વો  હાલ પોલીસના રડાર પર છે. તેઓની  હિલચાલ પર પોલીસ નજર રાખી રહી છે.

દિલ્હી બ્લાસ્ટ પછી શહેર પોલીસ દ્વારા પણ તકેદારીના ભાગરૃપે કાર્યવાહી શરૃ કરાઇ છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ, એસ.ઓ.જી., પી.સી.બી., અને ડી.સી.બી. દ્વારા બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી માથાભારે તત્ત્વોની હિલચાલની માહિતી મેળવવામાં આવી રહી છે. અગાઉ થયેલા  અમદાવાદ બ્લાસ્ટ વખતે  પણ  વડોદરાના પાણીગેટ વિસ્તારના પાંચ આરોપીઓ ઝડપાયા હતા. જેના પગલે વડોદરામાં પણ સ્લિપર સેલ સક્રિય હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે, તાજેતરમાં જ વડાપ્રધાનનો કાર્યક્રમ  હોઇ પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓને લોકેટ કરીને તેઓની હિલચાલ પર નજર રાખવામાં આવી  હતી. જે ડેટા પોલીસને હાલમાં કામ લાગી રહ્યો છે.

પોલીસ દ્વારા સરપ્રાઇઝ પોઇન્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તેમજ ડોગ સ્કવોડ દ્વારા પણ ચેકિંગ થઇ રહ્યું છે. જોકે, હજી સુધી  કોઇ શંકાસ્પદ વસ્તુ પોલીસને મળી નથી. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું  છે.