ઊનાના નજીક બોલેરો કાળ બની, બે સગા ભાઈ સહિત ત્રણનાં મોત

બે મોટરસાઈકલને ઉડાવી જીપ ચાલક ફરાર
ભાઈઓ પિતરાઈ બહેનને તેના ઘરે મુકવા કેસરીયા-દિવ રોડ પર જતા હતા, બહેનને પણ ઇજા થતાં સારવાર હેઠળ
કેસરીયા ગામે રહેતા હિતેશભાઈ જગદીશભાઈ શિંગોડ (ઉ.વ.૨૦) ગઈકાલે સાંજના સુમારે તેના નાના ભાઈ પરિમલ (ઉ.વ.૮)ને સાથે લઈ દિવ રોડ પાસે રહેતી પિતરાઈ બહેન કલ્પનાબેન મંગુભાઈ શિંગોડ (ઉ.વ.૧૮)ને તેના ઘરે મુકવા મોટરસાઇકલમાં ટ્રિપલ સવારીમાં નીકળ્યા હતા. દરમ્યાન કેસરીયા-દિવ રોડ પર પૂરપાટ ઝડપે આવતો બોલેરો ગાડીનો ચાલક પાછળથી ટ્રિપલ સવારી મોટરસાઇકલને અને સામેથી આવતી ભીખાભાઈની મોટરસાઇકલને ઉડાવી ગંભીર અકસ્માત સર્જી નાસી ગયો હતો. ભીખાભાઈ સોનારી ગામે સસરાના ઘરેથી ભોજન કરી પરત આવી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ કનુભાઈ અરજણભાઈ શિંગોડ અને આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં હિતેશભાઈ, પરિમલ, કલ્પનાબેન અને નાથળ ગામના ભીખાભાઈ નારણભાઈ દમણીયા (ઉ.વ.૩પ) લોહીલુહાણ હાલતમાં બેભાન પડેલા જોવા મળતા બે વાહનમાં તાત્કાલિક ઊનાની ખાનગી હોસ્પિટલે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે હિતેશભાઈ અને પરિમલને તપાસી મૃત જાહેર કર્યા હતા, જ્યારે કલ્પનાબેનને માથા અને હોઠના ભાગે ટાંકા લઈ સારવાર હેઠળ રખાઈ છે. ભીખાભાઈ દમણીયાને જનરક્ષક ૧૧૨ મારફત ઊના સરકારી હોસ્પિટલે લવાતા ડોક્ટરે તપાસી તેમને પણ મૃત જાહેર કર્યા હતા.
અકસ્માતને નજરે જોનાર લોકોના જણાવ્યા મુજબ બોલેરોનો ચાલક દિવ તરફ જતા રસ્તા પર નાસી ગયો હતો. ગોઝારા અકસ્માતમાં ત્રણ વ્યક્તિ મોતને ભેટતા પંથકમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. આજે બંને ભાઈ તથા અન્ય એક યુવાનની અર્થી નીકળતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

