Get The App

રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
રાતીયા પાસે ટાયર ફાટતા બોલેરોની પલ્ટી, પ્રૌઢનું કરૂણ મોત, આઠ ઘાયલ 1 - image


પોરબંદર-માધવપુર હાઇ-વે પર અકસ્માત

જામરાવલ રહેતા સગા-સંબંધીઓ ખરખરાના કામે માંગરોળ જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડતા સર્જાઈ કરૂણાંતિકા

પોરબંદર: પોરબંદર-માધવપુર હાઇવે પર રાતીયા ગામ નજીક બોલેરોનું ટાયર ફાટતા પલટી ખાઇ ગયો હતો. જેમાં જામ રાવલ ગામના એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે આઠ લોકોને ઇજા થતા પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.

બનાવની વિગત એવી છે કે જામરાવલ રહેતા સગા-સંબંધીઓ બોલેરોમાં માંગરોળ જતા હતા. કોઇ મૃત્યુ પામ્યું હોવાથી તેના ખરખરાના કામે જવા માટે જામરાવલથી બોલેરોમાં નીકળ્યા હતા. અને દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવે પર પોરબંદરથી માધવપુર તરફ જતા રસ્તે રાતીયા પાસે પહોંચ્યા ત્યારે અચાનક જ બોલેરોનું ટાયર ફાટતાં તે પલટી ખાઇ ગયો હતો બનાવ દિવસના સમયે બન્યો હોવાથી લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતાં અને ૧૦૮ને પણ જાણ કરવામાં આવી હતી. અકસ્માતના બનાવમાં જામ રાવલના લાખાભાઇ કરસનભાઇ વાઘેલા નામનાં ૫૮ વર્ષના આધેડનું મોત થયું હતું. જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આઠ જેટલા લોકોને નાની-મોટી ઇજા થતા તેઓને પણ સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં.

ઘવાયેલા તમામ આઠ લોકો જામ રાવલના વતની છે. જેમાં સામતભાઇ ભીખાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૬), બાબુભાઈ સવદાસભાઈ સોલંકી (ઉ.વ.૬૦), અરજનભાઈ મસરીભાઈ ગામી (ઉ.વ.૫૨), અરશીભાઇ કારાભાઇ જમોડ (ઉ.વ.૬૩), મહેન્દ્રભાઈ રામદેભાઈ વાઘેલા (ઉ.વ.૫૪), સુનિલ કારુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨) સહિતનાનો સમાવેશ થાય છે. સમગ્ર બનાવ અંગે માધવપુર પોલીસમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags :