Get The App

સરકારી જમીન પચાવી પાડવા માટે હાઈકોર્ટનો બોગસ ઓર્ડર તૈયાર કર્યો

Updated: Feb 19th, 2025

GS TEAM

Google News
Google News
સરકારી જમીન પચાવી પાડવા માટે હાઈકોર્ટનો બોગસ ઓર્ડર તૈયાર કર્યો 1 - image


રાજકોટ નજીકના વાવડી ગામે આવેલી 10,000 ચોરસ વાર જમીન માટે  : ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો : વિંછીયા પંથકના 2 આરોપીઓને સકંજામાં લેવાયા

રાજકોટ, : રાજકોટ નજીકના વાવડી ગામે આવેલી સરકારી જમીન પચાવી પાડવા કૌભાંડિયાઓએ માત્ર કલેકટર ઓફિસના જ નહીં પરંતુ ગુજરાત હાઈકોર્ટના પણ બોગસ હુકમો તૈયાર કર્યાનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચે આ અંગે બે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે. 

જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તેજ શીરીષભાઈ બાણુગરિયા (ઉ.વ.૩૭, રહે. જીવરાજ પાર્ક મેઈન રોડ, રિધ્ધી હેરીટેઈજ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા.૧ર ડિસેમ્બરના રોજ અરજદાર રેતુલભાઈ શાહની અરજી સાથે રજૂ થયેલ દસ્તાવેજોની ચકાસણી કરાતાં વાવડી ગામે સર્વે નં. 149ની 10,000 ચોરસ વાર બીનખેતી જમીનના કેસમાં દિનેશભાઈ રામજીભાઈ ધામી અને રાજેશભાઈ રામજીભાઈ ધામીના નામના કલેકટરની સહી અને સિક્કા સાથેના બીનખેતી હુકમ, કલેકટરની સહી અને સિક્કા સાથેના પ્લોટ વેચાણ અંગેની મંજુરીનો દાખલો, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદારનો જમીનનો કબજો ફાળવી પરત કરેલો પત્ર, ગામ નમુના નં.૬ (હકકપત્રક) જેમાં મામલતદાર ઓફિસ રાજકોટ રૂરલના સિક્કા સાથે ડિજિટલ સહી વાળી કોપી અને ગુજરાત હાઈકોર્ટનો હુકમ આ રીતે આ પાંચેય દસ્તાવેજો ગેરકાયદે રીતે બોગસ બનાવાયાનું ખુલ્યું હતું. 

એટલું જ નહીં આ બોગસ દસ્તાવેજો વોટસએપ ગુ્રપમાં પણ મોકલવામાં આવ્યા હતા. જેમાં આરોપી તરીકે રસિક ધનાભાઈ માલકીયા (રહે. છાસીયા, તા.વિંછીયા) અને શૈલેષ જગશીભાઈ વાસાણી (રહે. અમરાપુર, તા.વિંછીયા)ના નામ ખુલતા બંને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીઆઈ એમ.એલ. ડામોરે ગુનો દાખલ કરી બને આરોપીઓને સકંજામાં લીધા છે.  ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરની હાઈકોર્ટની વેબસાઈટ ઉપર ચકાસણી કરાતાં તે નંબરની મેટર બનાસકાંઠા જિલ્લાની હોવાનું જાણવા મળ્યું હતું. જે જમીનના બોગસ દસ્તાવેજો તૈયાર કરાયા હતા તે જમીન સરકારી ખરાબાની છે અને તેની માલિકી સરકારની છે.  આ ચોંકાવનારી ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને સકંજામાં લઈ બીજા કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. 

Tags :