Jamnagar Bogus Doctor : જામનગર જીઆઇડીસી વિસ્તારમાં 72 ખોલી એરિયામાં કોઈ પણ પ્રકારની ડીગ્રી વિના દવાખાનું ચલાવી રહેલી એક બોગસ મહિલા તબીબને એસઓજી શાખાની ટુકડીએ પકડી પાડી છે, અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે દરેડના જીઆઇડીસી વિસ્તારના 72 ખોલી આસપાસના એરિયામાં કોઈ પણ પ્રકારની ડીગ્રી મેળવ્યા વિના એક મહિલા તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે, તેવી ચોક્કસ બાતમી એસ.ઓ.જી. શાખાની ટુકડીને મળી હતી, જેથી એસ.ઓ.જી. શાખાની ટીમે ગઈકાલે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જાહલ ક્લિનિક નામના દવાખાનામાં દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ત્યાં હાજર રહેલી બધીબેન રણજીતભાઈ ખાટલીયા નામની મહિલા મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલી મળી આવી હતી. જેની પાસે ડિગ્રી વગેરેની માંગણી કરતાં પોતાની પાસે કોઈ ડીગ્રી ન હોવાનું અને દર્દીના આરોગ્ય સાથે ચેડા કરી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી એસઓજીની ટીમ દ્વારા તેણીના દવાખાનામાંથી જરૂરી દવા વગેરેનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે, અને તેની સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.


