જામનગરમાં લાલપુરના આરબલુસ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ એસ.ઓ.જીના હાથે પકડાયો
Jamnagar Bogus Doctor : જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા શહેર અને જિલ્લામાં કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સોને શોધવા માટે કવાયત કરી રહી છે, અને આવા બોગસ તબીબની તપાસ કરવા માટે ગઈકાલે લાલપુર પંથકમાં ચેકિંગ ચાલી રહ્યું હતું.
જે દરમિયાન આરબલુસ ગયામમાંથી એક બોગસ તબીબી પકડાયો હતો. મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ લાલપુર તાલુકાના આરબલુસમાં રહેતો ઉદયન અધિર વિશ્વાસ કે જે પોતાની પાસે કોઈ ડીગ્રી ધરાવતો ન હોવા છતાં માર્કેટની અંદર મેડિકલની દવાઓ સાથેનું દવાખાનુ ખોલીને મેડિકલ પ્રેક્ટિસ કરતાં મળી આવ્યો હતો, અને ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરીને પૈસા વસૂલતો જોવા મળ્યો હતો.
તેની પૂછપરછ કરતાં તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું. જેથી એસ.ઓ.જી. શાખાની ટુકડીએ તેના દવાખાનામાંથી રૂપિયા 9,015 ની કિંમતની દવા સહિતની સાધન સામગ્રી કબજે કરી લીધી છે, અને તેની સામે લાલપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.