કાલાવડના કુંભનાથપરામાંથી ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક બોગસ તબીબ SOGના હાથે પકડાયો
Jamnagar Bogus Doctor : જામનગર જિલ્લામાં બોગસ તબીબો દ્વારા દવાખાનાઓ ચલાવાતા હોવાનું અને ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાનું ધ્યાનમાં આવતાં જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં દરોડાઓ પાડીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, અને આવા બોગસ તબીબોને શોધી કાઢીને તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ગઈકાલે મોડી સાંજે એસ.ઓ.જી.ની ટુકડી કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં તપાસમાં ગઈ હતી, જે દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પાનેલી ગામનો વતની દિવ્યેશ પોપટભાઈ રામાણી (ઉ.વ. 50) કે જે ગેરકાયદે રીતે દવાખાનું ચલાવી ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો રંગે હાથ પકડાયો હતો.
એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવતાં પોતાની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી પોલીસ દ્વારા દિવ્યેશ રામાણીની અટકાયત કરી લઈ તેની સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે, અને તેના દવાખાનામાંથી રૂ.55,275 ની કિંમતનો જરૂરી દવાઓ સહિતનો જથ્થો કબજે કર્યો છે.