વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો
Vadodara Bogus Doctor : વડોદરામાં કરજણ તાલુકાના સણીયાદ ગામમાં દવાખાનું ખોલી એક શખ્સ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમીના આધારે જિલ્લા એસઓજીએ દરોડો પાડી તપાસ હાથ ધરતા આ દવાખાનામાં શંકર પરેશ સમંદર (રહે.કોઠીયા ગામ, માછી ફળિયું, મુકેશ માછીના ઘરમાં, મૂળ પશ્ચિમ બંગાળ) મળ્યો હતો. તે પોતે ડોક્ટર છે તેવી હકીકત જણાવતા પોલીસે તેની પાસે ડિગ્રી સહિતના પુરાવા માગતા તેની પાસે કોઈ ડીગ્રી અથવા તો મેડિકલ પ્રેક્ટિસ કરવાનું કોઈ લાઇસન્સ મળ્યું ન હતું અને બોગસ ડોક્ટર હોવાનું જણાયું હતું.
તે એલોપથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા ગ્રામ્ય વિસ્તારના બીમાર દર્દીઓની સારવાર કરતો હતો. બોગસ ડોક્ટર પાસેથી એલોપેથી દવાઓ, બીપી માપવાનું સાધન તેમજ મેડિકલ પ્રેક્ટિસને લગતા અન્ય સાધનો મળી 14000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને બોગસ ડોક્ટરને લોકઅપમાં ફીટ કરી દીધો છે.