ખેડા જિલ્લામાં જમીન કૌભાંડોના બોગસ આધારકાર્ડ તંત્ર માટે પડકાર
- નકલી દસ્તાવેજો કોણ બનાવે છે તે તપાસનો વિષય
- નડિયાદ તાલુકામાં સંજય દેસાઈ, અર્જૂન ભરવાડે બનાવટી દસ્તાવેજ, વ્યક્તિઓ ઉભા કર્યા
નડિયાદ : ખેડા જિલ્લામાં સંજય દેસાઈ, અર્જૂન ભરવાડ સહિતનાઓએ બોગસ આધારકાર્ડ, ડમી વ્યક્તિઓના સહારે જમીન કૌભાંડો આચર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવા ખોટા આધારકાર્ડ સહિતના દસ્તાવેજ કોણ બનાવી રહ્યું છે તેની તપાસ તંત્ર માટે પડકારરૂપ બની છે.
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સંજય દેસાઈ, ગઈકાલના જમીન કૌભાંડની ફરિયાદના આરોપી અર્જુન ભરવાડના કિસ્સામાં બોગસ આધારકાર્ડ બનાવ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. સંજય દેસાઈએ તો એક નહીં, પરંતુ કૌભાંડો મુજબ બનાવટી આધારકાર્ડ ઉભા કરાવ્યા હતા. જ્યારે અર્જુન ભરવાડે પણ મૃત વ્યક્તિનું ડમી આધારકાર્ડ બનાવ્યું છે. આધારકાર્ડ એ હાલ કોઈ પણ વ્યક્તિના નાગરીકત્વ માટે અને ભારતીય હોવા સહિતના પુરાવા માટે સૌથી મહત્વનું સરકારી ઓળખ પ્રમાણપત્ર છે. તેવા સમયે ડમી અને બોગસ આધારકાર્ડ ઉભા કરવામાં આવવાની બાબત અત્યંત ગંભીર છે. ત્યારે સરકારી તંત્ર માટે બોગસ આધારકાર્ડ ક્યાં બની રહ્યા છે, તે અંગે ઉંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.