રાજુલામાં યુવકની હત્યાના આરોપીને દોરડા બાંધીને સરઘસ : પત્ની સાથે આડાસંબંધની શંકાથી યુવાનને ગળાટૂંપો દઈ હત્યા કરી હતી : મૃતકનો મોબાઈલ ફોન ચાલુ કરતાં ભેદ ઉકેલાયો
અમરેલી, : અમરેલી જિલ્લાના રાજુલામાં થોડા દિવસો પૂર્વે થયેલી એક સનસનીખેજ હત્યાના ભેદનો પોલીસે સફળતાપૂર્વક ઉકેલ લાવી દીધો છે, જે કોઈ ક્રાઈમ સિરીઝની વાર્તાને પણ ટક્કર મારે તેવો છે. પોલીસે હત્યાના આરોપીનું દોરડા બાંધીને સરઘસ કાઢી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 40 વર્ષીય મૃતક સુરેશ સભાડિયાની હત્યા પાછળનું કારણ હત્યારા રાજદીપ રાઠોડને તેની પત્ની સાથે આડા સંબંધો હોવાની શંકા હતી. આ શંકાના વમળમાં જ રાજદીપ રાઠોડે સુરેશ સભાડિયાનું ગળું દબાવીને નિર્દયતાથી મોત નીપજાવ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી રાજદીપ રાઠોડે ગુના પર પડદો પાડવા માટે એક વિચિત્ર કાવતરું રચ્યું હતું. તેણે મૃતક સુરેશ સભાડિયાની લાશને બાઇક પર મજબૂત દોરડા વડે બાંધી દીધી અને અંદાજે ૩૪ કિલોમીટર દૂર સુધી લઈ જઈને અવાવરું જગ્યાએ ફેંકી આવ્યો હતો. ગુમ થયેલા યુવકની લાશ મળી આવ્યા બાદ રાજુલા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ત્યારે ખૂલ્યો જ્યારે હત્યારા રાજદીપ રાઠોડે મૃતક સુરેશનો મોબાઈલ ફોન ચાલુ કર્યો. લોકેશન ટ્રેસ થતાં પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી.
આ ઉપરાંત, પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. આ ફૂટેજમાં આરોપી રાજદીપ રાઠોડ મૃતકના શબને બાઇકમાં બાંધીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો, જે આરોપીની ઓળખ અને ધરપકડ માટેનો સૌથી મોટો પુરાવો સાબિત થયો હતો. રાજુલા પોલીસે ઝડપાયેલા હત્યારા આરોપી રાજદીપ રાઠોડનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સમયે, મહિલા પોલીસે આરોપીના હાથમાં દોરડા બાંધીને તેને બજારમાં ફેરવ્યો હતો અને જાહેરમાં તેની પાસે માફી મંગાવી હતી, જેથી સમાજમાં એક દાખલો બેસી શકે. રાજુલા પોલીસે ગણતરીના દિવસોમાં જ આ પેચીદા હત્યા કેસનો ભેદ ઉકેલીને આરોપીને કાયદાના સકંજામાં લઈ લીધો છે.


