Gujarat

થાનના તરણેતરના યુવકની લાશ ડેમમાંથી મળી

By GS TEAM
9 Nov 20251 min read
થાનના તરણેતરના યુવકની લાશ ડેમમાંથી મળી

- હત્યા કે આત્મત્યા, મોતનું કારણ અકબંધ

- શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશને પોલીસે પીએમ અર્થે ખસેડી

થાન : થાન તાલુકાના તરણેતર ખાતે આવેલ ડેમમાં શંકાસ્પદ હાલતમાં ગામના યુવકની લાશ મળી આવી છે. એક હાથ અને એક પગ ખવાઈ ગયેલી હાલતમાં મળેલા મૃતદેહનો કબજો લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

તરણેતર ગામમાં આવેલા ડેમમાં બપોરના સમયે એક અજાણ્યા યુવકની લાશ તરતી હોવાની જાણ આસપાસના લોકો સહિત વાહન ચાલકોને થતા લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડયા હતા અને આ અંગે થાન પોલીસને જાણ કરી હતી. આથી પોલીસ કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને યુવકની લાશને ડેમમાંથી બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં લાશ પાણીમાં પડી રહેવાથી ફુલાઈ ગઈ હતી તેમજ પાણીમાં કોઈ જીવજંતુએ એક હાથ અને એક પગ ખાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. આથી પોલીસે અજાણ્યા યુવકની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવકની ઓળખ ગેલાભાઇ સારદિયા (રહે.તરણેતર ગામ) તરીકે થઇ છે. યુવક ચાર-પાંચ દિવસ અગાઉ ઘરેથી કહ્યાં વગર ચાલ્યો ગયો હતો અને આજે તેની લાશ મળી છે. હાલ પોલીસે યુવકની હત્યા થઇ છે કે આત્મહત્યા કરી છે સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરી છે.