બાંધકામ સાઈટના ૧૨મા માળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
ગાંધીનગર નજીક આવેલા ભાટ ગામમાં
રાજસ્થાનના યુવાનના શંકાસ્પદ હાલતમાં થયેલા મોત અંગે અડાલજ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ભાટ ગામમાં નવી બની રહેલી સ્કાય વ્યુ નામની બાંધકામ સાઈટમાં ૧૨માં માળે પીલર સાથે દોરડા વડે ફાંસો ખાધેલી હાલતમાં આજે સવારે અહીં કામ કરતા મજૂર યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી અડાલજ પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ નીચે ઉતારીને વધુ તપાસ શરૃ કરી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેર નજીક આવેલા ભાટ ગામમાં સ્કાય વ્યુ નામની બાંધકામ સાઈટ ઉપર રાજસ્થાનના બાસવાડા
ખાતે આનંદપુરીનો પરિવાર મજૂરી અર્થે આવ્યો છે ત્યારે આ પરિવારનો ૨૨ વર્ષીય યુવાન
વિજયપાલ ઉર્ફે મનીષ હરદાર ડામોર છેલ્લા સાત મહિનાથી તેના ભાઈ અને અન્ય પરિવારજનો
સાથે અહીં આવ્યો હતો. આજે સવારના સમયે બાંધકામ સાઈટના બારમાં માળે આવેલી બાલ્કની
ઉપર વિજયપાલ દોરડા વડે ફાંસો ખાધેલી હાલતમાં તેના ભાભીએ જોયો હતો. જેના પગલે
પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને તેના પગલે મોટી સંખ્યામાં અન્ય મજૂરો પણ
ત્યાં એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ
સ્થળ ઉપર પહોંચી હતી. જોકે હાથ સ્થળેથી યુવાનનો મૃતદેહને નીચે ઉતારવો શક્ય ન હોવાથી
ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને તેના પગલે ફાયર બ્રિગેડ સ્થળ ઉપર
પહોંચ્યું હતું અને આ યુવાનના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહને
પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માતે મોત દાખલ કરી શંકાસ્પદ મોત અંગે તપાસ શરૃ
કરી છે. યુવાને આપઘાત કર્યો હતો કે પછી અન્ય કોઈ કારણોસર તેનો મૃતદેહ ત્યાં લઈ
જવામાં આવ્યો હતો તે તમામ બાબતો ઉપર તપાસ શરૃ કરવામાં આવી છે.