તલસટ ગામે નદીના કોતરમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળ્યો

વડોદરા,શહેર નજીકના તલસટ ગામે આજે પાણીમાંથી એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન મગરના હુમલામાં તેનું મોત થયું હોવાનું તારણ છે.
આજે સાંજે શહેર નજીક આવેલા તલસટ ગામે વિશ્વામિત્રી નદીના કોતરમાં મૃતદેહ હોવાની માહિતી મળતા અટલાદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. મૃતદેહ ત્રણ થી ચાર દિવસ જૂની હતી અને ડિકમ્પોઝ થઇ ગઇ હતી. મૃતક પાસેથી કોઇ એવો દસ્તાવેજ મળ્યો નહતો કે જેના આધારે તેની ઓળખ થાય. જેથી,પોલીસે આજુબાજુના વિસ્તારોમાં ગૂમ થયેલા વ્યક્તિઓની માહિતી મેળવી છે. સ્થળ પર આવેલી ફાયર બ્રિગેડની ટીમે પોલીસને જણાવ્યું હતું કે, મૃતકના બંને હાથ કપાઇ ગયા છે. ત્યાં મગરના દાંતના નિશાન હોવાનું દેખાય છે.જેથી, મગરના હુમલામાં તેનું મોત થયું હોવાનું જણાય છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.








