જામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ
Jamnagar : જામનગર નજીકના દરિયામાંથી ગઈકાલે એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જેનો પોલીસે કબજો સંભાળી લઈ તેની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીકના બેડીના દરિયામાં ડીસીસી જેટીથી આશરે ચાર નોટિકલ માઈલ દરિયામાં આશરે 45 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે સિક્કામાં રહેતા અને દરિયામાં માછીમારી કરતા સુલેમાન અબ્બાસભાઈ ગંઢાર નામના માછીમાર યુવાને પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.બી.ચૌધરી અને તેઓની ટીમે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને દરિયામાંથી બહાર લઈ આવી, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તેનું પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જ્યારે મૃતદેહની ઓળખ કરવા માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.