Gujarat

વિશ્વામિત્રીમાંથી મળેલી યુવતીની લાશ ઓળખાઇ, મગરે હુમલો કરતાં મોત

By GS TEAM
5 Dec 20251 min read
વિશ્વામિત્રીમાંથી મળેલી યુવતીની લાશ ઓળખાઇ, મગરે હુમલો કરતાં મોત

વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાંથી ગઇકાલે યુવતીની લાશ મળી આવવાના બનાવમાં પોલીસની તપાસ દરમિયાન મગરે હુમલો કર્યો હોવાનું જણાઇ આવ્યું છે.

વિશ્વામિત્રીના ભીમનાથ બ્રિજ પાસેથી ગઇકાલે એક યુવતીની  લાશ મળી આવી હતી.જેના પર ઇજાના નિશાન જણાઇ આવતાં રહસ્યના વમળો સર્જાયા હતા.આ યુવતીની ઓળખ માટે ડીસીપી મંજીતા વણઝારાએ જુદી જુદી ટીમો બનાવી હતી.

ઉપરોક્ત બનાવમાં સયાજીગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલતાં યુવતીના શરીર પરના ઇજાના નિશાન મગરના હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ માગવામાં આવ્યો છે.

યુવતીની ઓળખ માટે પોલીસે જુદાજુદા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ખંખોળ્યા હતા. જે દરમિયાન પ્રાથમિક તપાસમાં આ યુવતી રાવપુરા થી સ્કૂટર પર આવી હોવાનું અને તેનું નામ અંજલિ હોવાનું ખૂલ્યું છે.યુવતી ક્યા કારણસર નદી કિનારે આવી હતી,તેના પરિવારજનો કોણ છે જેવા મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

વિશ્વામિત્રીમાં લાપત્તા થયેલી મહિલાનો ચાર મહિનાથી પત્તો નથી

વિશ્વામિત્રી નદીમાં ચાર મહિના પહેલાં સમા વિસ્તારના ૪૮ વર્ષીય જયાબેન લાપત્તા થયા હોવાનો બનાવ  બન્યો હતો.જેમાં સમા પોલીસના પીઆઇ બીબી કોડિયાતરે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી હતી અને ટીમો દ્વારા શોધખોળ કરાવી હતી.પરંતુ આ મહિલાનો હજી કોઇ પત્તો મળ્યો નથી અને તેનું રહસ્ય અકબંધ રહ્યું છે.