Gujarat

ટાણાના મોટા તળાવમાં ગરકાવ યુવાનનો 24 કલાકે મૃતદેહ મળ્યો

By GS TEAM
25 Jun 20251 min read
ટાણાના મોટા તળાવમાં ગરકાવ યુવાનનો 24 કલાકે મૃતદેહ મળ્યો

- અકસ્માતે પડી જતાં ડૂબી ગયાનું પોલીસનું અનુમાન 

- સિહોર-તળાજા બાદ ભાવનગર ફાયર ટીમે બે કલાકની જહેમતના અંતે મૃતદેહ બહાર કાઢયો

સિહોર : ટાણાના તળાવમાં ગરકાવ થયેલાં યુવાનનો આજે બપોરે ૨૪ કલાકના અંતે મૃતદેહ મળી આવ્યો હતો. ભાવનગર ફાયરની ટીમે ભારે જહેમતના અંતે મૃતદેહને શોધ્યો હતો. અકસ્માતે પડી જતાં ડૂબી જવાથી યુવાનનું મોત થયાનું પોલીસની પ્રથમિક તપાસમાં તારણ બહાર આવ્યું છે. 

દાઠા ગામના વતની અને સિહોરના ટાણા ગામે રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ ઉકાભાઈ સોલંકી (ઉ.વ.૩૫) ગત સોમવારે બપોરના ૧૨.૩૦ કલાકે સિહોરના ટાણા ગામે આવેલા મોટા તળાવમાં પડી ગયા હતા.આ ઘટનાની જાણ થતાં સિહોર ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પાણીમાં ગરકાવ થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હતી.સિહોર ઉપરાંત તળાજા ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.પરંતુ ગત મોડી સાંજ સુધી યુવાન મળી આવ્યો ન હતો.જ્યારે આજે ભાવનગરની ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી.અને બે કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢી સિહોર પોલીસને સોંપ્યો હતો. અકસ્માતે પડી જતાં યુવાનનું ડૂબી જતાં મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.