- ખેડૂતો ડાંગરનું ધરુ લેવા ખેતરમાં ગયા, ત્યારે કાદવમાં મૃતદેહ મળ્યો
- બસ પલટી ખાતા ચાલક બહાર ફેંકાયો હોય અથવા ઈજાના કારણે કાદવમાં ફસાઈ જવાથી મોત નિપજ્યું હોવાની આશંકા
બગોદરા : ધોળકા-બગોદરા હાઈવે પર છ દિવસ પૂર્વે થયેલા લક્ઝરી બસ અકસ્માતમાં ગુમ થયેલા બસ ચાલકનો છ દિવસે મૃતદેહ મળ્યો છે. વાલથેરા ગામના પાટિયા પાસે પલટી મારી ગયેલી બસનો ચાલક, જે અત્યાર સુધી પોલીસ અને બસ માલિકની નજરમાં ફરાર હતો, તેનો મૃતદેહ આજે નજીકના ખેતરમાંથી મળી આવ્યો છે. અકસ્માત બાદ ડ્રાઈવર ડરના માર્યા ભાગી ગયો હોવાની અટકળો વચ્ચે આ ઘટનાએ રહસ્ય અને કરુણતા સર્જી છે.
ધોળકા-બગોદરા હાઈવે પર વાલથેરા ગામના પાટિયા પાસે બલ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કોઠ પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ ડ્રાઈવરનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આજે જ્યારે વાલથેરા ગામની સીમમાં ખેડૂતો ડાંગરનું ધરુ લેવા ખેતરમાં ગયા, ત્યારે કાદવ અને પાણી ભરેલા ક્યારામાં એક માનવ દેહ પડેલો જોવા મળ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે આ મૃતદેહ એ જ લક્ઝરી બસના ચાલકનો છે. પ્રાથમિક અનુમાન મુજબ, અકસ્માત સમયે બસ પલટી ખાતા ચાલક બહાર ફેંકાયો હોઈ શકે અથવા ઈજાના કારણે કાદવમાં ફસાઈ જવાથી તેનું મોત નીપજ્યું હોઈ શકે છે.
કોઠ પોલીસે હાલ મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે. બસને ક્રેન વડે ઉભી કરવામાં આવી ત્યારે પણ ચાલક વિશે કોઈ જાણકારી મળી નહોતી, જે તંત્રની તપાસ સામે પણ સવાલો ઉભા કરે છે. ચાલકનું મોત અકસ્માતની આંતરિક ઈજાથી થયું છે કે અન્ય કોઈ કારણસર, તે પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


