નડિયાદમાં ચાવી બનાવતા યુવકની કોલેજ રોડ પાસે નહેરમાંથી લાશ મળી
- કેનાલે ટોળા ઉમટયા, પોલીસ દોડી આવી
- મીલ રોડ કાવેરી પ્લાઝા સામે સરદાર ભવન પાછળ રહેતો યુવક પિતાએ ઠપકો આપતા રાતે ઘરેથી નીકળી ગયો હતો
નડિયાદ કોલેજ રોડ ઉપરથી પસાર થતી નહેરમાં આજે સવારે પુરુષની લાશ જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. નહેરમાં પાણી ઓછું હોવાથી સ્થાનિક લોકોએ દોરડા વડે બાંધી લાશને બહાર કાઢી હતી.
લાશ નડિયાદ મીલ રોડ કાવેરી પ્લાઝા સામે સરદાર ભવન પાછળ રહેતા હરનામસિંગ લાલસીંગ ચીખલીગર (ઉં.વ.૨૭)ની હોવાનું જાણવા મળેલું છે. પરણીત યુવકને એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનો છે.
ગઈકાલે સાંજે તેના પિતાએ કોઈ બાબતે ઠપકો આપતા યુવક રાત્રે દસ વાગે ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં આજે સવારે નહેરમાંથી લાશ મળી આવી હતી. યુવક ચાવી બનાવવાનો વ્યવસાય કરી પરિવારનું જીવન નિર્વાહ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
પિતાએ મૃતદેહ તેના દીકરા હરનામસીંગનો હોવાની ઓળખ કરી હતી. બનાવની જાણ થતા નડિયાદ ટાઉન પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી.
આ બનાવ અંગે હજુ સુધી નડિયાદ પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધ થઈ નથી.