વડોદરા,આજવા રોડ પર રહેતી ૫૭ વર્ષની મહિલાનો ડિકમ્પોઝ થઇ ગયેલો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૃ કરી છે. જોકે, કુદરતી મોત થયું હોવાનું અનુમાન છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવા રોડ મુખીનગર પાસે સાંકેત કોમ્પલેક્સમાં જયાબેન પ્રકાશભાઇ લાલવાણીના પતિનું બે વર્ષ પહેલા મોત થયું હતું. ત્યારબાદ તેઓ ઘરે એકલા જ રહેતા હતા. તેમના ભાઇએ છેલ્લે ૧૯ તારીખે બહેન સાથે વાત કરી હતી. ત્યારબાદ ગઇકાલે ભાઇએ કોલ કરતા જયાબેને કોલ રિસિવ કર્યો નહતો. જેથી, તેમણે પાડોશીને જાણ કરતા પાડોશીએ તપાસ કરતા જયાબેનનો મૃતદેહ ડિકમ્પોઝ થયેલી હાલતમાં તેમના ઘરના બેઠક રૃમમાંથી મળી આવ્યો હતો. બાપોદ પોલીસે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પી.એમ. રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચું કારણ જાણી શકાશે. જયાબેનને અગાઉ પણ બે વખત હાર્ટ એટેક આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, જયાબેનનું મોત કુદરતી હોવાનું પોલીસે જણાવ્યું છે.


