Gujarat

જાંબુવા બ્રિજ પાસે અવાવરૃ જગ્યાએ ઝાડ પર લટકતી લાશ મળી

By GS TEAM
1 Dec 20251 min read
જાંબુવા બ્રિજ પાસે અવાવરૃ જગ્યાએ ઝાડ પર લટકતી લાશ મળી

 વડોદરા,મકરપુરા જાંબુવા બ્રિજ નજીક અવાવરૃ જગ્યાએ ઝાડ પર લટકતી લાશ ડિકમ્પોઝ હાલતમાં મળી આવી છે. મકરપુરા પોલીસે લાશને નીચે ઉતારી પી.એમ. માટે મોકલી આપી છે. પ્રાથમિક તપાસ દરમિયાન આપઘાતનો કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પી.એમ. રિપોર્ટની રાહ જોઇ રહી છે.

આજે સાંજે મકરપુરા પોલીસને કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળતા પોલીસનો સ્ટાફ જાંબુવા બ્રિજ નજીક પહોંચી હતી. નવા બંધાતા બ્રિજ નજીક અવાવરૃ જગ્યાએ એક ઝાડ પર લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. નજીકમાં કામ કરતા શ્રમજીવીઓની નજર લાશ પર પડી હતી. લાશ ડિકમ્પોઝ  હાલતમાં હતી. લાશને નીચે ઉતારી તપાસ કરતા તેની ઓળખ થાય તેવા કોઇ પુરાવા મળી આવ્યા નથી. જોકે, લાશ પર કોઇ દેખીતી ઇજાના નિશાન નહીં હોવાના કારણે હાલમાં તો ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા યુવકે ફાંસો ખાધો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા  પછી જ જાણી શકાશે. મૃતકની ઓળખ માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોરવા બિસ્મીલ્લા પાર્કમાં રહેતા કાજલબેન વસીમભાઇ રાઠોડ ( ઉં.વ.૨૭) તથા તેમના  પતિ નોકરી કરે છે. આજે સવારે તેમના પતિ બાથરૃમમાંથી નાહીને બહાર નીકળ્યા ત્યારે કાજલબેને ગળા ફાંસો ખાઇ લીધો હતો. લગ્ન ગાળો બે વર્ષનો છે. પોલીસે આપઘાતનું કારણ  જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે.