ગંભીરા પુલ દુર્ઘટનામાં આંકલાવના બામણના બે યુવકોના મૃતદેહ મળ્યા
એક સાથે બે અંતિમયાત્રા નીકળતા ગામમાં ગમગીનિ
નોકરીએ જતી વખતે બ્રિજ તૂટી પડતા ત્રણ મિત્રો બાઈક સાથે નદીમાં ખાબક્યા હતાં
ગંભીરા પુલ દુર્ઘટનાને ૨૪ કલાકથી વધુ સમય વીતિ ગયો છે. ત્યારે હજુ પણ મૃતદેહ દબાયા હોય એવી સંભાવનાઓ વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોમાં જોવા મળી રહી છે. દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૫ મૃતદેહ મળી આવ્યા છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બામણ ગામના બે યુવકોના દુર્ઘટનામાં મોત થયા છે. જેમાં મોહનભાઈ ચાવડા અને અતુલ રાઠોડના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. બંને મૃતકોની અંતિમયાત્રા આજે એક સાથે નીકળી હતી. એક જ ગામના બંને યુવકોની એક સાથે નનામી ઉઠતા ગામ હિબકે ચઢ્યું હતું. ગામમાં ગમગીનિનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે હજૂ બે યુવકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક અતુલ રાઠોડે બીએસસી સુધીનો અભ્યાસ કરેલો હતો. તે બ્રિજને સામે છેડે નજીકમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગઈકાલે સવારે તે પોતાના અન્ય બે મિત્રો સાથે બાઈક ઉપર નોકરીએ જતો હતો. દરમિયાન બ્રિજ તૂટી પડયો હતો અને ત્રણેય મિત્રો બાઇક સાથે નીચે નદીમાં ખાબક્યાં હતા.