ગાંધીનગર નજીક કેનાલમાંથી પિતા સહિત બે બાળકોના મૃતદેહ મળ્યા, અમદાવાદથી ત્રણેય થયા હતા ગુમ
પ્રતિકાત્મક તસવીર |
Gandhinagar News : ગુજરાતમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા મૂળ મહેસાણાના ઊંઝાના કંઠરાવી ગામના નીતિનભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બે દિવસ પહેલા નીતિનભાઈ બે પુત્ર સાથે અમદાવાદથી ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું. આ પછી સગા-સંબંધીએ અડાલજ નર્મદા કેનાલ પાસેથી નીતિનભાઈની રિક્ષા મળી હોવાની પોલીસને જાણ કરી હતી. જ્યારે કલોલ તાલુકાના જાસપુર કેનાલના ગણપતપુરા વિસ્તારમાંથી પિતા અને બે પુત્ર મૃતદેહ મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદથી ગુમ થયેલા પિતા-બે પુત્રના કેનાલમાંથી મૃતદેહ મળ્યાં
અમદાવાદના નીતિનભાઈ રબારી (ઉં.વ. 25) અને તેમના 1 અને 5 વર્ષની ઉંમરના બે પુત્રો બે દિવસ પહેલા ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ગાંધીનગરના કલોલ તાલુકાના જાસપુર ગામ નજીક આવેલી કેનાલમાંથી પિતા અને બે પુત્રના મૃતદેહ મળી આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પિતાએ કોઈ કારણોસર બે માસુમ બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.