લાઠીદડ ગામે પાણીમાં ગરકાવ થયેલા વધુ 7 લોકોના મૃતદેહ મળ્યાં, શોક

- લાઠીદડ, વીછિંયા અને શિવરાજગઢના લોકોની ઈકો કાર વરસાદી પાણીમાં તણાઈ હતી
- કારીયાણીના તળાવ પાસેના અલગ-અલગ સ્થળોએથી મૃતદેહો મળી આવ્યા
બોટાદ જિલ્લામાં સોમવાર અને મંગળવારે ૬થી ૧૯ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. દરમિયાનમાં ગત સોમવારે મોડી સાંજના સમયે લાઠીદડથી સાંગાવદર જવાના રસ્તા પરથી વરસાદી પાણી ભયજનક રીતે વહેતું હોવા છતાં ઈકો કારના ચાલકે પાણીમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કરતા નવથી દસ વ્યક્તિ સાથેની ઈકો કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જે ચિંતાજનક બનાવની જાણ થતાં જ બોટાદની ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ, સ્થાનિક તરવૈયાઓ, ગ્રામજનોએ પાણીમાં તણાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. કલાકનો જહેમત બાદ ગત મંગળવારે પ્રિયાંકભાઈ અને યશવંતભાઈ નામના બે વ્યક્તિને બચાવી લેવામાં સફળતા મળી હતી. જ્યારે અન્ય લોકોનો કોઈ પતો ન મળતા આજે ફરી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. સવારથી બપોરે એક વાગ્યા સુધી ચાલેલી રેસ્ક્યુ કામગીરી દરમિયાન કારિયાણી ગામના તળાવ પાસેના અલગ-અલગ સ્થળોએથી લાપતા થયેલા છ મહિલા અને એક પુરૂષના મૃતદેહ મળ્યાં હતા. આ કરૂણાંતિકાને લઈ પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પીપળિયામાં 22 લોકો ફસાયા : તમામનું રેસક્યુ
ગઢડા તાલુકામાં પણ અવિરત વરસાદના કારણે પીપળિયા ગામેની સીમમાં વહેણ વધી જતાં ૨૨ જેટલા નાગરિકો ફસાયા હતા. જે અંગેની જાણ થતાં બોટાદ જિલ્લા કલેક્ટર, નિવાસી અધિક કલેક્ટરની રાહબરી હેઠળ એનડીઆરએફની ટીમે બોટાદ પ્રાંત અધિકારી, ગઢડા મામલતદાર, સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, ગ્રામ પંચાયત, સ્વયંસેવકો સાથે સંકલન કરી તમામ ૨૨ નાગરિકોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને આશ્રય સ્થાને લઈ જઈ જમવા, પીવાના પાણી, દવા અને જરૂરી દૈનિક જરૂરિયાતની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, બે દિવસ ભારે વરસાદ ભારે આજે બોટાદ જિલ્લામાં સંપૂર્ણ મેઘવિરામ રહેતા લોકોએ રાહત અનુભવી હતી.








