આણંદ જિલ્લામાં 25 મૃતકોના ડીએનએ મેચ થયા બાદ મૃતદેહ સ્વજનોને અપાશે

- પ્લેન ક્રેશમાં 8 મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતકોના મૃતદેહને ડીએનએ રિપોર્ટ બાદ મેચ કરવાની પ્રક્રિયા યથાવત્
અમદાવાદ પ્લેન ક્રેશ તા.૧૨મી જૂને મેઘાણીનગર ખાતે થયું હતું. આ ઘટનામાં ચરોતરના ૫૬ લોકો મોતને ભેટયા હતા.મૃત્યુ પામેલા લોકોના સ્વજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ જે તે સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં આઠ મૃતકોના મૃતદેહ સોંપાયા છે.
જિલ્લાના બાકી રહેતા ૨૫ મૃતકોના ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ દેહ તેમના સ્વજનોને સોંપવામાં આવશે. આ કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. બાકી રહેલા ૨૫ મૃતકોમાં આણંદ, કરમસદ, વાસદ, ચીખોદરા, ગાના, લાંભવેલ, ઉમરેઠ, ભરોડા, કસુંબાડ, ઝારોલા, ફાંગણી, સોજીત્રા, ખંભાત, જલસાણ અને ખંભાત તાલુકાના વટાદરાનો સમાવેશ થયો છે.
આ મૃતકોના ઘરે જઇ અધિકારીઓ પરિવારજનોને સાંત્વના આપી રહ્યા છે. આ ઉપરાંત અંતિમ વિધી સમયે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને મૃતકોને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે.








