બ્લ્યુ ફિલ્મ બતાવી શરીર સંબંધ બાંધવા અને તેનો વિડીયો બનાવવા દબાણ
લોકડાઉનમાં પતિએ પત્નીને ત્રાસ આપ્યો
પતિ, સાસુ-સસરા, દિયર, કાકા સસરા અને તેમના બંને દીકરા દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની પરિણીતાની ફરિયાદ
સુરત, તા.9 ડિસેમ્બર 2020, બુધવાર
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનોની 37 વર્ષીય માતાને અન્ય યુવતી સાથે અફેર ધરાવતા પતિએ લોકડાઉનમાં બ્લ્યુ ફિલ્મ બતાવી શરીર સંબંધ બાંધવા અને તે અંગત પળોનો વિડીયો બનાવવા દબાણ કરી બાદમાં ત્રાસ આપતા છેવટે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી પિયરમાં રહેતી 37 વર્ષીય વિધિ ( નામ બદલ્યું છે ) ના લગ્ન 16 વર્ષ અગાઉ કતારગામ વિસ્તારમાં જ રહેતા મહેશભાઈ ઝાંઝમેરા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન બે પુત્રી અને એક પુત્રની માતા બનેલી વિધિ વડીલોની સમજૂતી મુજબ એક વર્ષ પિયરમાં જ રહીને બાદમાં સાસરે રહેવા ગઈ હતી. જોકે, તેને પતિ, સાસુ-સસરા નાની નાની બાબતોમાં મહેણાં ટોણાં મારી દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. તું કરિયાવરમાં કશું લાવી નથી તેમ કહી બીજી વસ્તુઓ લાવવા દબાણ કરી તેઓ વિધિને માર પણ મારતા હતા. તેની પ્રેગ્નનન્સી વખતે પણ તેઓનું વર્તન યોગ્ય ન હતું. વિધિના ભાઈના લગ્ન વખતે વિધિના ઘરેથી દાગીના મળ્યા બાદ જ તેને લગ્નમાં મોકલી હતી. વિધિના દિયર, કાકા સસરા અને તેમના બંને દીકરા પણ મહેશને ચઢામણી કરતા હતા.વિધિના સસરા પણ અવારનવાર તેના રૂમમાં આવી ચઢતા અને એકીટશે તેને જોયા કરતા હતા.
દરમિયાન, ગત જુલાઈ 2019 માં વિધિને પતિ મહેશના અન્ય યુવતી દિપાલી સાથેના અફેરની જાણ થઈ હતી. આ અંગે જયારે વિધિએ પૂછ્યું ત્યારે મહેશે યોગ્ય જવાબ આપ્યો ન હતો. બાદમાં લોકડાઉનમાં મહેશે વિધિને બ્લ્યુ ફિલ્મ બતાવી શરીર સંબંધ બાંધવા અને તે અંગત પળોનો વિડીયો બનાવવા દબાણ કર્યું હતું. વિધિએ ઇન્કાર કરતા મહેશે ઝઘડો કર્યો હતો અને રક્ષાબંધનમાં તેને પિયર મોકલ્યા બાદ માત્ર સંતાનોને પરત લઈ જઈ તેને પાછી લઈ ગયા ન હતા. વિધિએ છેવટે ગતરોજ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ-સસરા, દિયર, કાકા સસરા અને તેમના બંને દીકરા વિરુદ્ધ દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જી.એમ.ગમારાએ વધુ તપાસ હાથ ધરી છે.