વાહન અથડાવવા જેવી નજીવી બાબતે દિવાળીનું પર્વ રક્તરંજિત બન્યું : બંને પક્ષના કુલ 3 ઘાયલઃ 2 ભાઇની હત્યા કરનાર 4 આરોપીઓ સકંજામાં
રાજકોટ, : રાજકોટમાં દિવાળીનું પર્વ રક્તરંજીત બન્યું છે. ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર વિસ્તારમાં ગઇકાલે વાહન અથડાવવા જેવી નજીવી બાબતે બે પક્ષ વચ્ચે ખેલાયેલી લોહીની હોળીમાં બે સગાભાઈ અને સામા પક્ષે એક આરોપીનું મોત નીપજ્યું હતું. ટ્રીપલ મર્ડરની આ ઘટના બાદ સ્થળ પર પોલીસના ધાડેધાડાં ઉતારી દેવાયા હતાં. બીજી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં જડબેસલાક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બંને મૃતક ભાઈઓનાં પરિવારજનોએ કેટલીક માગણીઓ મૂકી મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દેતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. રાતોરાત પોલીસે બંને ભાઈઓની હત્યામાં સંડોવાયેલા ચારેય આરોપીઓને સકંજામાં લીધા હતાં.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આંબેડકરનગર શેરી નં. 11 (ક)માં રહેતા વિજયભાઈ વશરામભાઈ પરમારના ઘરે ગઇકાલે રાત્રે સંબંધી ભરત સોલંકી બેસવા આવ્યો હતો. તે વખતે તેનાં ઘર પાસેથી પાડોશમાં રહેતો અરૂણ વિનુભાઈ બારોટ ત્રણેક વખત પોતાની કાર ફૂલસ્પીડે લઇને નીકળ્યો હતો. ત્રીજી વખત તેની કાર ભરતનાં પલ્સરને અડી ગઇ હતી. આ જોઇ નજીકનાં મિત્રો સાથે ઉભા રહી વાતો કરતાં વિજયભાઈનાં પુત્ર સુધીરે કોલ કરી આ બનાવ અંગે પિતાને જાણ કરી હતી. આ વખતે નજીકમાં ઉભેલો અરૂણ બધું સાંભળતો હતો. તે તત્કાળ તેની કારમાંથી નીચે ઉતર્યો હતો. તેની સાથે બે અજાણ્યા શખ્સો પણ ઉતર્યા હતા. આવીને અરૂણે સુધીર સાથે ગાળાગાળી શરૂ કરી હતી.
તેવામાં ત્યાં વિજયભાઈ અને તેના મોટાભાઇ સુરેશભાઈ દોડી આવ્યા હતાં. આવીને બંનેએ અરૂણને સમજાવતા કહ્યું કે, અત્યારે તહેવાર છે એટલે ઝઘડો ન કરાય. આ વાત સાંભળી અરૂણ વધુ ઉશ્કેરાયો હતો અને કહ્યું કે, તમારે મસ્તી જ કરવી હોય તો હું હથિયાર મંગાવી લઉં.
ત્યાર પછી તેણે કોલ કરતાં બાઇક ઉપર તેનો ભાઈ રમણ અજાણ્યા શખ્સ સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. તેનાં બંને હાથમાં છરીઓ હતી. જ્યારે અજાણ્યા શખ્સના હાથમાં બેટ હતું. તે સાથે જ ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો, જેને ધ્યાનમાં લઇ સુરેશભાઈએ તેનાં પરિવારનાં સભ્યોને કહ્યું કે તમે બધા શાંતિ રાખજો, હું વાત કરી લઉં છુ. તે સાથે જ તેના પરિવારના સભ્યો સાઇડમાં જતા રહ્યા હતાં. સુરેશભાઈ વાતચીત કરવા માટે નજીક જતાં જ બારોટ બંધુઓ અને તેની સાથેનાં ત્રણ અજાણ્યા શખ્સોએ ગાળાગાળી અને ઝઘડો શરૂ કરી દીધો હતો. રમણે કહ્યું કે આજે તો તમને પતાવી જ દેવા છે. તત્કાળ તેણે પોતાની પાસે રહેલી બે છરીમાંથી એક ભાઇ અરૂણને આપી દીધી હતી, જ્યારે બીજી છરીનાં ઘા સુરેશભાઈને ઝીંકી દીધા હતા. તે સાથે જ સુધીર અને તેના પિતા વિજયભાઈ વચ્ચે પડતાં રમણે વિજયભાઈને પણ છરીનાં આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. વિજયભાઈ લોહી નીંગળતી હાલતમાં સ્થળ પર ઢળી પડયા હતાં.
દેકારો થતાં વિજયભાઈના પત્ની હંસાબેન ત્યાં દોડી આવતાં રમણે તેનાં પુત્ર સુધીરને કહ્યું કે આજે તો તને પણ જીવતો રહેવા દેવો નથી અને પતાવી જ દેવો છે તેમ કહી તેને પણ કમરના ડાબી બાજુ છરીનો ઘા ઝીંકી દીધો હતો, જ્યારે હંસાબેનને અરૂણે કપાળનાં ભાગે છરી ઝીંકી દીધી હતી. જાણ થતા સુધીરનાં કાકા જગદીશભાઈ અને પાડોશીઓ સ્થળ પર દોડી આવ્યા હતાં. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ (ઉ.વ. 45) અને વિજયભાઈ (ઉ.વ. 45)ને લોહી નિતરતી હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં, જ્યાં બંને ભાઈઓનાં મોત નીપજ્યા હતાં.
બીજી તરફ, હુમલામાં ઘાયલ અરૂણ વિનુભાઈ બારોટ (ઉ.વ. 21)નું પણ આજે વહેલી સવારે મોત નીપજતાં ઘટના ટ્રીપલ મર્ડરમાં પરિણમી હતી. આ ઘટનાને પગલે સિવિલ અને સ્થળ પર પોલીસનાં ધાડેધાડા ઉતારી દેવાયા હતાં. ઝોન-૨નાં ડીસીપી, ક્રાઇમ બ્રાંચનાં ડીસીપી સહિતનાં અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતાં.


