Get The App

રાજકોટમાં એકલા રહેતા યુવકની લોહીથી લથબથ લાશ મળી આવી

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટમાં એકલા રહેતા યુવકની લોહીથી લથબથ લાશ મળી આવી 1 - image

નોટબુક પરના લખાણ પરથી બનાવ આપઘાતનો હોવાની શકયતા

લાશ નજીકથી કિચન નાઈફ મળી આવી, જેના પોતાના શરીર ઉપર ઘા ઝીંકી જિંદગી ટૂંકાવ્યાની શકયતા

રાજકોટ: ભોમેશ્વર પ્લોટ શેરી નં.૮માં આવેલા બાબજી એવન્યુ બિલ્ડિંગના ચોથા માળે આવેલા ફલેટમાં એકલાં રહેતાં અબ્બાસ યુસુફભાઈ મર્ચન્ટ (ઉ.વ.૪૦)ની આજે બપોરે તેના એપાર્ટમેન્ટના પાંચમાં માળે આવેલા ટેરેસ પરથી કોહવાઈ ગયેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. તે સાથે જ બનાવ હત્યાનો હોવાની શંકા પરથી ગાંધીગ્રામ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ દોડી ગઈ હતી. જોકે પ્રાથમિક તપાસના અંતે બનાવ આત્મહત્યાના હોવાના તારણ પર પોલીસ પહોંચી છે. 

આમ છતાં આ રીતે કોઈ છરીના ઘા ઝીંકી આત્મહત્યા કરી લે તે બાબત પોલીસને વિચિત્ર લાગી રહી છે. કારણ કે આ રીતે આત્મહત્યાના કિસ્સા બહુ બનતા નથી. પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે. 

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અબ્બાસના માતા-પિતા હયાત નથી. તેની એક બહેન શમીનાબેન તાહેરભાઈ ભગત  માધાપર ચોકડી પાસે વ્હોરા સોસાયટીમાં રહે છે. બીજા બહેન મારીયાબેન પુનામાં રહે છે. છેલ્લા ત્રણેક દિવસથી શમીનાબેન ભાઈ અબ્બાસને કોલ કરતાં હતા. પરંતુ સંપર્ક થતો ન હતો. 

જેથી આજે બપોરે તેના ફલેટે પહોંચ્યા હતા. દરવાજો ખુલ્લો હોવાથી અંદર જઈ જોયું તો અબ્બાસ જોવા મળ્યો ન હતો. વધૂ તપાસમાં ટેરેસ પરથી તેની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જે કોહવાઈ ગઈ હતી. જે જોતાં ત્રણ-ચાર દિવસ પહેલાં મોત થયાની શકયતા ઉભી થઈ હતી. 

લાશ પાસેથી કિચન નાઈફ પણ મળી આવ્યું હતું. અબ્બાસના શરીર ઉપર છરીના ઘાના દસેક નિશાન જોવા મળ્યા હતા. જેને કારણે બનાવ હત્યાનો હોવાની શંકા જતાં ક્રાઈમ બ્રાંચની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. જોકે જેમ-જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ-તેમ બનાવ આત્મહત્યાના હોવાના તારણ પર પોલીસ પહોંચી હતી. 

ફલેટમાંથી નોટબુકના પાના ઉપર અબ્બાસે લખેલી કેટલીક માહિતીના કારણે બનાવ આત્મહત્યાનો હોવાનું તારણ નીકળ્યું છે. જેમાં તેણે જીવનથી કંટાળી ગયાનું અને તેની મિલકત બંને બહેનોને આપી દેવાનું લખ્યું છે. આ લખાણ પરથી તે ખુબજ નાસીપાસ થયાનું પણ જણાયું હતું. 

સ્થળ પર જરૂરી કાર્યવાહી બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવીલમાં ખસેડયો હતો. અપરિણત અબ્બાસ અગાઉ ઢેબર રોડ પર દરજીની દૂકાન ધરાવતો હતો. હાલમાં કોઈ કામધંધો કરતો નહીં. પત્રકાર સોસાયટીમાં તેની એક દૂકાન હતી. જેના ભાડાથી ગુજરાન ચલાવતો હતો. હાલમાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે. 

- સ્યૂસાઈડના વીડિયો જોયાનું મોબાઈલ પરથી ખૂલ્યું

રાજકોટ: ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર. મેઘાણીએ જણાવ્યું કે અબ્બાસના મોબાઈલની હિસ્ટ્રી પરથી તેણે સ્યૂસાઈડના વીડિયો જોયાનું જણાયું છે. એટલું જ નહીં તેણે સ્યૂસાઈડ, સ્યૂસાઈડ કઈ રીતે ન લાગે તે અંગેના વીડિયો પણ જોયા છે. ટૂંકમાં તેણે પોતાનો આપઘાત ખરેખર આપઘાત ન લાગે અને હત્યાનો બનાવ લાગે તે પ્રકારના વીડિયો જોયા છે. તેની પાછળનું કારણ એવું જણાય છે કે કદાચ  સ્યૂસાઈડને  પાપ ગણાતું હોવાથી આ પ્રકારના વીડિયો જોયા હશે.  તેણે મોબાઈલમાં કઈ-કઈ માહિતી સર્ચ કરી હતી, કયા પ્રકારના વીડિયો જોયા હતા તે અંગે તપાસ જારી રાખવામાં આવી છે.