સિવિલમાં એક્સપાયરી વેક્યુટીના ઉપયોગથી બ્લડ સેમ્પલ કેન્સલ

લોહીના નમૂના લેવા માટે વપરાતી કાચની શીશી એક્સપાયરી
બાળદર્દીના પિતાએ ઉચ્ચકક્ષા સુધી કરેલી ફરિયાદમાં સિવિલની લાલીયાવાડી તથા સ્ટાફની બેદરકારી-અણઆવડત ઉઘાડી પાડી
આ અંગે એક વર્ષની બાળદર્દીના પિતાએ આરોગ્ય વિભાગના ઉચ્ચ
અધિકારી તથા આરોગ્ય મંત્રી સહિત કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે કે, તેમની દિકરીને
હાડકાંનું ઓપરેશન કરવાનું હોવાથી આ બાળદર્દીને પાંચમાં માળના વોર્ડ ૫૦૨માં
રાખવામાં આવ્યા હતા અહીંથી બ્લડના સેમ્પલ છ જેટલી કાચની શીશી એટલે કે, વેક્યુટીમાં લઇને
લેબોરેટરીમાં બાળદર્દીના પિતા આપવા ગયા હતા. બીજા દિવસે પણ તેનો રિપોર્ટ આવ્યો ન
હતો. જેથી તપાસ કરતા આ વેક્યુટી જ એક્સપાયરી હોવાનું ધ્યાને આવ્યું હતું. એટલે કે, જેમાં બ્લડ
લેવામાં આવ્યું હતું તે શીશી એક્સપાયરીડેટની થઇ ગઇ હતી. બ્લડમાં ક્લોટ થઇ જવા
સહિતની તકલીફ થવાને કારણે આ સેમ્પલ ફેઇલ -કેન્સલ થઇ ગયું હતું. સ્થાનિક સ્ટાફની
બેદરકારીથી ફરીવાર આ બાળકીના બ્લડના નમુના લેવાની ફરજ પડી હતી એટલુ જ નહીં, ઓપરેશન કરવામાં
પણ આ બ્લડના રિપોર્ટ નહીં આવ્યા હોવાને કારણે વિલંબ થયો હતો.
આ ઉપરાંત સિવિલના સ્ટાફ અને વોર્ડમાં આવતા તબીબોની બેદરકારી
તથા અણઆવડત અંગે પણ ઘણા સવાલો કરતી ફરિયાદ આ બાળદર્દીના પિતાએ આરોગ્ય વિભાગમાં કરી
છે. આ સાથે વોર્ડમાં બેડ પર ચાદર નહીં પાથરી હોવાની તથા સુરક્ષા જવાનની ઉધ્ધતાઇ
અંગે પણ લેખિત ફરિયાદ કરાઇ છે. એક બાજુ સિવિલ તંત્ર દ્વારા દર્દી અને તેના સગા
સાથે કઇ રીતે વર્તવું તેના પાઠ સ્ટાફને ભણાવે છે તો બીજીબાજુ સ્ટાફ દ્વારા
દર્દી-સગા સાથે ગેરવર્તણૂક કરવામાં આવતી હોવાની ફરિયાદો વધી રહી છે.









