ઠાસરાના બ્લોક રિસર્ચ સેન્ટરમાં એક મહિનાથી પાણીનો ભરાવો

- પાલિકાની લાઈન લિકેજના કારણે
- તાલીમ માટે આવતા ગળતેશ્વર તાલુકાના 1400 શિક્ષકોને રોગચાળો ફેલાવાનો ભય
ઠાસરા નગરપાલિકાની હદમાં સરકારી શિક્ષકોને તાલીમ માટે બ્લોક રિસર્ચ સેન્ટરનું અધ્યતન ભવન બનાવાયું છે. સેન્ટર ખાતે ગળતેશ્વર તાલુકાના ૧૪૦૦ શિક્ષકો અલગ અલગ દિવસે તાલીમ લેવા આવે છે. ત્યારે છેલ્લા મહિનાથી પાલિકાની લાઈન લિકેજના કારણે તાલીમ ભવન બહાર પાણીનો ભરાવો થઈ ગયો છે.
આ બાબતે બ્લોક રિસર્ચ સેન્ટરના મુખ્ય શિક્ષકે મૌખિક અને લેખિત જાણ કરવા છતા હજૂ સમસ્યા ઉકેલવામાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
ત્યારે ગંદા પાણીના ભરાવાના કારણે શિક્ષકોમાં મચ્છરજન્ય રોગચાળો કે બિમારી ફેલાય તે પહેલા સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી ઉઠી છે.
રજૂઆત મળી નથી, સફાઈ કરાવી દેવાશે : ચીફ ઓફિસર
આ બાબતે ઠાસરા નગરપાલિકના ચીફ ઓફિસર જગદીશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, રજૂઆત મળી નથી, પરંતુ તમારા દ્વારા જણાવ્યા મુજબ સફાઈ કરાવી દઈશ. સેન્ટરની ખૂલ્લી જગ્યામાં બ્લોક ફિટિંગ બાબતે ટેન્ડરિંગ કરીને પણ કરાશે.









