- મનપા તંત્રના આડેધડ આયોજનાના કારણે
- વન વે રોડ પર પાર્કિગ અને ટ્રાફિકની સમસ્યાનું જ્ઞાન આવતા મનપાએ નિર્ણય બદલ્યો
નડિયાદ : નડિયાદ રેલવે સ્ટેશન પાસે વનવે રોડ પર પૂર્વ આયોજન વગર ફૂટપાથ માટે રોડની બંને બાજુ બ્લોક નાખવાની કામગીરી શરૂ થયા બાદ પાર્કિગની સમસ્યાનું ભાન થતાં આખરે મનપાએ કામગીરી અટકાવી છે. જેના કારણે લાખો રૂપિયાનો ખર્ચે પાણીમાં ગયો છે.
નડિયાદ રેલવે સ્ટેશન રોડમાં ટ્રાફિક ભારણ ઘટાડવા સહિતને લઇ વન વે રોડ છે અને ટ્રાફિક અને પાર્કિગની સમસ્યા કામયી બની છે. ટાર્ફિકનો સર્વે કે આયોજન વગર રોડની બંને બાજુએ બ્લોક નાખી ફૂટપાથ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. મનપાએ બ્લોક નાખવા માટેની તમામ પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી. બ્લોક નાખવા વિસ્તારમાં સંરક્ષણ માટે કર્બ સ્ટોની કામગીરી શરૂ કરતા પૂર્ણતા તરફ હતી. બ્લોક નાખવા માટે પેવમેન્ટ સ્ટ્રક્ચર તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ હતીય લાખો રૂપિયાનો ખર્ચ થઇ ગયા બાદ અને તમામ પ્રાથમિક માળખાગત કામગીરી પૂર્ણ થયા બાદ મનપાના અધિકારીઓને રોડની બંને તરફ બ્લોક નાખવાની રોડની પહોળાઇ ઘટશે અને વન વે રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરશે અને ફોર વ્હીલર વાહનોના પાર્કિગની જગ્યા પૂર્ણ થશે તેવું ત્રાન આવ્યું હતું. જે બાદ મનપા તંત્રએ બ્લોક નાખવાનો નિર્ણય પરત ખેંચ્યો છે.
ટ્રાફિકને અડચણરૂપ ના થાય તે માટે રિ ડીઝાઈન કરીએ છેઃ ડે. કમિશનર
આ સમગ્ર મામલે નડિયાદ મનપાના ડે. કમિશનર રૂદ્રેશ હુદળે જણાવ્યુ હતુ કે, બ્લોક માટે કામગીરી શરૂ કરાઈ હતી અને હવે કામગીરી અટકાવી છે. રિ- ડીઝાઈન કર્યા બાદ પુનઃ કામગીરી કરાશે. ટ્રાફિકને અડચણ ન થાય, કોમ્પલેક્ષ અને ટેક્સી પાકગને સબંધિત પ્રશ્નોનું પણ નિરાકરણ આવે, તે મુજબ પુનઃ આયોજન કરવામાં આવશે અને બાદમાં ફરીથી કામગીરી કરાશે.


