Get The App

ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ : 21નાં મોત

Updated: Apr 1st, 2025

GS TEAM

Google News
Google News
ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ : 21નાં મોત 1 - image

- માત્ર ફટાકડા  વેચવાની મંજૂરી અને ઉત્પાદન કરાતું હતું : સૂતળી અને માર્શલ બોમ્બ બનાવાતા હતા

- ચાર લોકોને ઇજા : બ્લાસ્ટ થતાં ગોડાઉન જમીનદોસ્ત થઇને 200 મીટર દૂર સુધી કાટમાળ અને શ્રમિકોના માનવ અંગો ફંગોળાયા

- ફેક્ટરી માલિક ખુબચંદ રેણુમણ મોહનાની અને પુત્ર દિપકની મોડી રાત્રે ધરપકડ

- મૃતકોના પરિવારને રાજ્ય સરકારની રૂ. ચાર લાખ, કેન્દ્રની રૂ. બે લાખની સહાય

ડીસા,પાલનપુર: બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની દિપક ટ્રેડર્સ નામની ફેક્ટરી અને ગોડાઉનમાં સવારના ૯.૩૦ કલાકે બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નિકળતા નાસભાગ મચી ગઇ હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલી ગોડાઉન જમીન દોસ્ત થઇને ૨૦૦ મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. જ્યારે શ્રમિકોના શરીરના અંગો દૂર સૂધી ફંગાળાયા હતા. આ ઘટનામાં મધ્ય પ્રદેશના ચારથી પાંચ કિશોર સહિત ૨૧  શ્રમિકોનાં મોત નિપજ્યા હતા.ચાર શ્રમજીવીઓ ગંભીર ઘાયલ થતા તમામ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  ફેક્ટરીના માલિક ખુબચંદ રેણુમલ મોહનાની (સિંધી) અને તેનો પુત્ર દિપક ખુબચંદ મોહનાની ફરાર થઇ ગયા હતા જો કે મોડી સાંજે બન્નેની ધરપકડ થઈ હતી. જયારે ફેક્ટરીના માલિક ખુબચંદ મોહનાનીના  ભાઇની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર દોડી આવીને તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, બે દિવસ અગાઉ ખાસ કાચા દારૂગોળામાંથી માર્શલ અને ૫૫૫ સૂતળી બોમ્બ બનાવવા મઘ્યપ્રદેશથી મજૂરો લાવવામાં આવ્યા હતા. 

ડીસામાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની ફેકટરીમાં થયેેલા પ્રચંડ વિસ્ફોટમાં ૨૧ મજૂરોએ પોતાના જાન ગુમાવ્યા છે. જેના પગલે બનાસકાંઠા વહિવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. દીપક ટેડર્સ નામની ફેક્ટરીનો માલિક બનાસકાંઠા સહિત ગુજરાત તેમજ રાજસ્થાનમાં હોલસેલ ફટાકડાનું વેચાણ કરતો હતો.ર્તેના માલિકને માત્ર ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી માત્ર ફટાકડા વેચાણ માટે લાયસન્સ અપાયું હતું.  વહીવટી તંત્રની મીઠી નજર નીચે આ ફેક્ટરી માલિક ખૂબચંદ સિંધી તેમજ તેના દીકરાએ છેલા પાંચ વર્ષથી ફેક્ટરીમાં ફટાકડા બનાવવાનું શરૂ કર્યું હતું.જેમાં ફટાકડા ગોડાઉન માલિક દ્વારા ડીસા ગાંધીચોક ની નાનકડી દુકાનથી ગેરકાયદેસર ફટાકડા બનાવવા માટે ડીસાના ધુવા રોડ પર જગ્યા રાખી ઊંચા કોટ બનાવી ગોદામ બનાવ્યું હતું. 

ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થ લાવીને ખૂબચંદ સિંધી ફટાકડા બનાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ખુબચંદ સિંધી માત્ર ફટાકડા વેચાણ માટેની પરમિશન લીધી છે અને ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. ફેક્ટરી માલિક અને તંત્રની બેદરકારીના કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું છે આ  કરૂણાંતિકામાં ૨૧ લોકોના મોત બાદ હવે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

મૃત્યુ  પામેલા શ્રમજીવીઓની ઓળખ કરવાની  કામગીરી

ફટાકડા બનાવતી ફેકટરીમાં થયેલા બ્લાસ્ટમાં માર્યા ગયેલા મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મૃતકોને ૪ લાખ અને ઘાયલોને ૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. 

મૃતક શ્રમજીવીઓ મધ્ય પ્રદેશના હોવાનું ખૂલ્યું ઃ બે દિવસ પહેલા જ આવ્યા હતા 

મૃતકોમાંં મોટાભાગના તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે.  ભોગ બનેલા મજૂરો બે દિવસ પહેલાં જ અહીં ફટાકડા બનાવવાની મજૂરી કામ માટે આવ્યા હતા મંગળવારે ફેકટરીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન બ્લાસ્ટ થતાં તેમનાં મોત નીપજ્યાં છે.

વિસ્ફોટના પગલે ચાર જેસીબીથી કામગીરી કરાઇ 

ફટાકડા ફેક્ટરીમાં સવારે સાડા નવ આસપાસ થયેલ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે,તેનો અવાજ આઠ કિલોમીટર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ બાદં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં ૨૦૦ મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો, જ્યારે મજૂરોનાં માનવઅંગો પણ દૂર દૂર સુધી ફેંકાયાં હતા. ડીસા નગરપાલિકાનાં ફાયર ફાઈટરો સહિત ૭ ફાયર ફાઇટરો ,૪ જેસીબી ,અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.

લોભિયા ખૂબચંદે કાચો દારૂગોળો લાવી અનઅધિકૃત ફટાકડા બનાવવાની પ્રવૃતિ આદરી

ખૂબચંદ સિંધી ફટાકડાનો હોલસેલનો વેપારી છે.તેણે તામિલાનાડુમાં શિવાકાશીની ફેક્ટરીઓમાં જોયું કે ફટાકડામાં ૫૫૫ તેમજ અન્ય બોમ્બ કેવીરીતે બનાવાય છે.જે બાદ તેણે ફેક્ટરીના ના કેટલાક લોકોને લાલચ આપી ફોડયા હતા.અને પોતાની ફેક્ટરીમાં લાલચ આપી લાવ્યા હતાં જેમાં દારૂગોળો ક્યાંથી મળશે તે વિગતો મેળવી તેણે મઘ્યપ્રદેશના મજૂરો ને લાવી ગેરકાયદેસર રીતે પોતાના માટે કાર્ગોકિંગ, દીપક, આંધીતૂફાન, ડિજિટલ સ્કાય, ડાયમંડ સહિત વિવિધ બ્રાન્ડથી જુદા જુદા ફટાકડા નું ઉત્પાદન શરૂ કર્યું હતું. આ ધંધો છેલ્લા ૮ વર્ષથી તે બિન્દાસ કરતો હતો.

બિલ વગર માલ વેચી ખૂબચંદે કાળી કમાણી જમીનોમાં રોકી

ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ફેકટરી શરૂ કરનાર ખૂબચંદ સિંધી નામના વેપારીએ છેલ્લા આઠ વર્ષમાં બે નંબરી ધંધામાં મોટી મિલકતો અને અકસ્માયતો વસાવી છે.તેણે જમીન બજારમાં મોટા દલાલો સાથે દોસ્તી કેળવી કરોડોની જમીનો વસાવી છે. એક અંદાજ મુજબ ખૂબચંદ સિંધી  ડીસા હાઇવે વિસ્તારમાં અંદાજિત ૨૦૦ કરોડની જમીન ,મકાનો અને પ્લોટ ધરાવે છે.  જ્યારે પણ હોલસેલમાં માલ વેચતો હતો ત્યારે તે રોકડમાં પૈસા લેતો હતો અને હિસાબો રફ નોટબુકમાં રાખતો હતો.

ફટાકડા બ્લાસ્ટકાંડની તપાસ સીટ કરશે

રાજય સરકાર ગેરકાયદે ફટાકડા ફેક્ટરી કેસની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે.આ સીટ ટીમમાં ડીવાયએસપી સી.એલ.સોલંકીના વડપણ હેઠળ રચાયલે સીટની ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અંગે  રીપોર્ટ કરશે.

ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ : 21નાં મોત 2 - image

- નાયબ કલેક્ટર નેહા પંચાલે પોતાની બેદરકારી છૂપાવવા મગરના આંસુ સાર્યા

ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ કેસમાં સૌથી મોટી બેદરકારી સ્થાનિક મહેસુલી તંત્રની બહાર આવી છે. જેમાં વર્ષોથી મંજૂરી વગર આ ગોડાઉનમાં બોમ્બ જેમ ફૂટે તેવો દારૂ ગોળો લાવી ખુબચંદ સિંધી ગેરકાયદેસર રીતે બોમ્બ જેવા ફટાકડા બનાવતો હતો એટલું જ નહીં કાચું રો મટીરીયલ જેવો દારૂગોળો ગોડાઉનમાં રાખી માનવ જીવનને જોખમાય તેવું કૃત્ય કરતો હતો. આ દારૂગોળાએ આંખના પલકારામાં ૨૧ શ્રમિકોના ચીંથરા ઉડાવી નાખ્યા છે ત્યારે આટલા મોટા મૃત્યુ આંક બાદ ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ પોતાની બે જવાબદારી છુપાવવા મગરના આંસુ સારતા હોય તેમ ઘટના સ્થળે રડતા જોવા મળ્યા હતા. જો કે પીડિત પરિવારે રોષ સાથે પોતાના ગુમાવેલા સ્વજનો બેદરકાર તંત્ર પરત લાવે તેવી માંગ કરી હતી.