ડામરની ફેક્ટરીમાં ટેન્કરમાં બ્લાસ્ટ્ થતા ત્રણનાં કરૃણ મોત
ટેન્કરનું ઢાંકણું ખોલ્યા વગર ડામર ગરમ કરતા પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગી
સાવલી તા.૨૭ વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના ભાદરવા સાંકરદા રોડ પર મોક્સી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતાં.
મોકસી ગામ નજીક રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ડામર સહિતનું કાચું રો મટિરિયલ આવે છે અને તેમાં પ્રોસેસ કરી તેને બેરલમાં ભરવામાં આવે છે. આજે બપોરના સમયે એક ટેન્કર ડામર ભરીને આવી હતી. ટેન્કરમાં ડામર જામ થઈ જતા તેને કાઢવા માટે ટેન્કરને ગરમ કરવામાં આવતું હતું પરંતુ ભૂલથી ટેન્કરનો ઢાંકણું ખોલવાનું રહી ગયું હતું.
ટેન્કર ગરમ થવાથી તેમાં ગેસ ઉત્પન્ન થતા પ્રચંડ ધડાકા સાથે ટેન્કર ફાટી હતી અને પાછળના ભાગે ઉભેલો ચાલક, ક્લિનર તેમજ એક મજૂર સહિત ત્રણના કરુણ મોત થયા હતાં. મળતી માહિતી મુજબ હાલ ચોમાસાની સિઝન હોય ડામરનું કામ ઓછું ચાલતું હોવાથી કંપનીમાં કામદારો ઓછા હતા નહીં તો મૃત્યુ આંક વધુ હોત તેવી શક્યતા હતી.
મૃતકોમાં ટેન્કરનો ડ્રાઇવર મોહંમદ અરમાન જીયા ઉલ્લાહ (રહે.ગળભળીગામ, આઝમગઢ, ઉત્તર પ્રદેશ), ડ્રાઇવરને મળવા આવનાર સાકીબ અખ્તરખાન (રહે.સંતોષીનગર, છાયાપુરી, છાણી) અને કંપનીમાં કામ કરતા અશોક જયકિશન ગુર્જર (રહે.કાલમેરા ગામ, તા.માધવગઢ, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. ત્રણેના મૃતદેહોને પીએમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે ભાદરવા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.