નડિયાદના યોગીનગર અને ડભાણ ગામે આજે બ્લેકઆઉટ
- ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ
- રાતે ૮થી 8.30 સુધી વાહનો સહિતની લાઈટો બંધ રાખવા તંત્રનો અનુરોધ
ઓપરેશન સિંદૂરના અનુસંધાને ઓપરેશન શીલ્ડ અંતર્ગત ખેડા જિલ્લાની પ્રિપેડનેસ ચકાસવા તથા કોઈ આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લા વાસીઓને ઝડપથી ગતિશીલ કરવાના હેતુથી મોકડ્રીલ કરવામાં આવશે. શનિવારે રાત્રે ૮ થી ૮.૩૦ સુધી નડિયાદના ડભાણ અને યોગીનગરમાં સંપૂર્ણ બ્લેક આઉટ કરવામાં આવશે. ખેડા જિલ્લામાં સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર, વાઇટલ ઇન્સ્ટોલેશન પર એર રેડ, કમ્પ્લીટ બ્લેક આઉટ, માસ ઇન્જરીસના સંજોગોમાં આરોગ્યતંત્રની સુવિધાઓ જેવી બાબતોને આવરી લઈને મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. આ સિવાય ઓપરેશન શિલ્ડ અંતર્ગત જિલ્લાના બે મહત્વના સ્થાનો પર આકસ્મિક બોમ્બમારો અને ફાયર જેવી ઘટનાઓના સંજોગો ઉપર નિવારક ઉપાયો માટે વહીવટી તંત્ર દ્વારા અલગથી મોકડ્રીલ કરાશે.
આ માટે નાગરીકોમાં કોઈ ભય ન ફેલાય અને મોકડ્રીલની સાચી હકીકતો નાગરીકો સુધી પહોંચે તેવી વિનંતી પ્રશાસને કરી છે. આજે શનિવારે રાતે આઠ વાગ્યે એક સરખા અવાજથી સાયરન વાગશે. જે બાબતે લોકોએ ગભરાયા વિના પોતાના વાહનની હેડલાઈટ પણ બંધ રાખવા ખેડા જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.