Get The App

વાવાઝોડાના પગલે 30 ટકા શહેરમાં અંધારપટ, 440 કેવી હાઈટેન્શન લાઈનનો થાંભલો નમી પડયો

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
વાવાઝોડાના પગલે 30 ટકા શહેરમાં અંધારપટ, 440 કેવી હાઈટેન્શન લાઈનનો થાંભલો નમી પડયો 1 - image

વડોદરાઃ શહેરમાં આજે ફૂંકાયેલા વાવાઝોડા અને ભારે વરસાદ વચ્ચે ઠેર ઠેર વીજળી ગૂલ થઈ હતી.વડોદરા શહેરના ૩૦ ટકા હિસ્સામાં અંધારપટ સર્જાતા ચાર લાખ જેટલા  લોકો લાઈટો વગરના થઈ ગયા હતા.

આજે સાંજે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.શહેરમાં વાવાઝોડાના પગલે અફરા તફરી મચી ગઈ હતી અને મધ્ય ગુજરાત વીજ કંપનીનું વીજ નેટવર્ક વાવાઝોડાના કારણે ભારે પ્રભાવિત થયું હતું.મળતી જામકારી પ્રમાણે વડોદરા શહેરના ૩૪૫ પૈકીના ૧૨૭ ફીડરો પર વીજ લાઈનો ટ્રિપ થવાથી, લાઈનો પર વૃક્ષો પડવાથી કે પછી થાંભલા ધરાશાયી થવાના કારણે ૭૦૦૦૦ જોડાણોનો વીજ પૂરવઠો ખોરવાયો હતો.આમ વીજળી વગર લગભગ ૪ લાખ લોકો પ્રભાવિત થયા હતા.જોકે વાવાઝોડાની અસર ઓછી થયા બાદ વીજ કંપની દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો શરુ કરવાની કાર્યવાહી ના ભાગરુપે વીજ કર્મચારીઓની ૪૬ ટીમો કામે લગાડવામાં આવી હતી.આમ છતા શહેરના કેટલાક વિસ્તારો કલાકો સુધી વીજળી વગરના રહ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના ૨૨૮ વીજ ફીડરો વાવાઝોડાના પગલે બંધ થયા હતા અને ૨૨૦ જેટલા ગામોમાં અંધારપટ છવાયો હતો.નંદેસરી વિસ્તારમાં તો ૪૪૦ કેવીની હાઈટેન્શન લાઈનનો થાંભલો જ નમી જતા ભારે દોડધામ મચી ગઈ હતી.સદનસીબે થાંભલા સાથે જોડાયેલી લાઈન રસ્તા પર પડી નહોતી અને તેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.આ લાઈનને તરત બંધ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો અન્ય લાઈન પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.દરમિયાન રાહત કામગીરી માટે ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.બીજી તરફ ચામુંડાનગર તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.


Tags :