સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા બગોદરા બસ સ્ટેન્ડમાં અંધારપટ
- તાકિદે બસ સ્ટેન્ડમાં લાઇટો શરુ કરવા માંગ
- રાત્રીના સમયે મોટાભાગની બસ બારોબાર જતી રહેતા મુસાફરોને રઝળપાટ કરવાની નોબત
બગોદરા : અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા અને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાતા બગોદરા બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ બસ સ્ટેન્ડ પર મુસાફરોનો સતત ઘસારો રહે છે.
બગોદરા બસ સ્ટેન્ડમાં રાત્રિના સમયે લાઇટો બંધ રહેતા અંધકાર પટ છવાઈ જાય છે. ?ખાસ કરીને મહિલાઓ રાત્રે બસ સ્ટેન્ડ પર ઉતરે છે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લાઇટો બંધ હોવાને કારણે સમગ્ર કમ્પાઉન્ડમાં અંધારું રહે છે, જેનાથી સુરક્ષા સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા છે. આ પરિસ્થિતિ અંગે અમદાવાદ ડિવિઝનલ કંટ્રોલર (ડીસી) ને પણ જાણ કરવામાં આવી હોવા છતાં, કોઈ કાર્યવાહી થઈ નથી. આ ઉપરાંત રાત્રીના સમયે મોટાભાગની બસ બારોબાર જતી રહેતા મુસાફરોને રઝળપાટ કરવો પડે છે.
સ્થાનિક લોકો અને મુસાફરોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું આ બસ સ્ટેન્ડ જે બાવળા ડેપો મેનેજરના હેઠળ આવે છે, તે અધિકારીઓ અહીં કોઈ ચેકિંગ કે મુલાકાત લેતા નથી? અધિકારીઓની બેદરકારી અને આળસને કારણે મુસાફરોની હાલાકી વધી રહી છે. આ અંગે તાત્કાલિક ધોરણે પગલાં લઈ લાઇટો ફરી ચાલુ કરવામાં આવે તેવી મુસાફરો અને સ્થાનિક રહીશો દ્વારા જોરદાર માંગ ઉઠી છે.