Gujarat

રાજ્યની ઇસી કમિટિના નિર્ણય બાદ રાજ્યના ૨૫ જિલ્લામાં ૨૩૮ જેટલી બ્લેક ટ્રેપ લીઝોમાં ખાણકામ બંધ

By GS TEAM
10 Nov 20251 min read
રાજ્યની ઇસી કમિટિના નિર્ણય બાદ  રાજ્યના ૨૫ જિલ્લામાં ૨૩૮ જેટલી બ્લેક ટ્રેપ લીઝોમાં ખાણકામ બંધ

વડોદરા, તા.10 પર્યાવરણિય પ્રમાણપત્રો(એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ)ની રાજ્યની કમિટિએ અરજીઓ નામંજૂર કરતા રાજ્યભરના ક્વોરી ઉદ્યોગોને ગંભીર અસર પડી છે. રાજ્યની ૫૦ ટકા જેટલી ક્વોરીઓમાં ઉત્પાદન ઠપ થઇ ગયું છે અને આ ક્વોરીઓમાં કાગડા ઉડવા  લાગ્યા છે.

રાજયના જિલ્લાઓમાં સ્થાનિક ખાણ ખનિજખાતાની કચેરીઓ દ્વારા બ્લેક ટ્રેપના ખાણકામ માટે મંજૂરી આપવામાં આવી  હતી. જિલ્લા કક્ષાની એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ કમિટિ દ્વારા મંજૂરી અપાતા ક્વોરીઓમાં ખાણકામ સહિતની પ્રવૃત્તિ શરૃ કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકારના કડક નિયમોના આધારે રાજ્યની ઇસી કમિટિ સમિક્ષા કરીને ગત સપ્તાહે જિલ્લા કક્ષાની ઇસી મંજૂરી નામંજૂર કરી દીધી હતી અને તેના નિર્ણયો તાત્કાલિક જે તે જિલ્લામાં મોકલી દેવામાં આવ્યા હતાં.

આ સાથે જ જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી દ્વારા જે ક્વોરીનું ઈસી પ્રમાણપત્ર નામંજૂર કરવામાં આવ્યું છે તે ક્વોરીનું સ્થાનિક પ્રમાણપત્ર પણ નામંજૂર કરી ક્વોરીને લોક કરી રોયલ્ટી ના નીકળે તેવી વ્યવસ્થા કરી દીધી હતી. તા.૬ની સાંજે રાજ્યભરના ૨૫ જિલ્લાઓમાં આવેલી ૨૩૮ ક્વોરીઓમાં ખાણકામની પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવતા ધમધમતો આ ઉદ્યોગ હવે શાંત થઇ ગયો છે.

ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલાના જણાવ્યા મુજબ રાજ્યમાં કુલ ૫૦ ટકા જેટલી બ્લેક ટ્રેપની માઇન્સો બંધ થઇ જતા અનેકને રોજગારીની સીધી અસર પડશે એટલું જ નહી પરંતુ રોડ રસ્તાના કામો, કન્સ્ટ્રક્શન ઉદ્યોગને પણ સપ્લાય ઓછી મળતા તેની અસરો જણાશે.